ચીખલી: શ્રીનગર CRPF ફોર્સની 117 બટાલિયનમાં ફરજ બજાવતો જવાન વેકેશનમાં માદરે વતન ચીખલી તાલુકાના ખુડવેલ ગામે આવ્યો હતો. જયાં ગુરુવારે મળસ્કે છાતીમાં દુઃખાવો અને ગભરામણની વેદના ઉપાડતા સારવાર માટે લઈ જવાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ ચીખલી તાલુકાના ખૂડવેલ ગામે હનુમાન ફળિયામાં રહેતો હેમંતભાઈ રમણભાઈ પટેલ (વર્ષ 41) શ્રીનગર સ્થિત CRPF ફોર્સની 117બટાલીયનમાં ફરજ બજાવે છે. તે દરમ્યાન ગત 26/10/2024ના રોજ મહારાષ્ટ્રના લાતુર આરટીસી ટ્રેનીંગ સેન્ટરમાંથી રજા લઈ પરીવાર સાથે વેકેશન માણતા માદરે વતન આવ્યો હતો. દરમ્યાન ગુરુવાર રાત્રે પરીવાર મીઠી નીંદરમાં હતો. તે વેળા મધ્યરાત્રિના બે કલાકના અરસામાં હેમંતભાઈને છાતીમાં એકાએક દુઃખાવા સાથે ગભરામણ શરૂ થઈ હતી. જેને પગલે પરીવાર ત્વરિત આર્ટિકા કારમાં ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. તે દરમ્યાન ફરજ ઉપરના તબીબે હેમંતભાઈની તપાસ કરી મૃત જાહેર કરતાં શોકની લાગણી વ્યાપી હતી.
મૃતક પોતાની પાછળ પત્ની અમૃતાબેન પટેલ, પુત્ર જયનીલ (9) સહિત પરીવારને વિલાપ કરતાં છોડી ગયા હતા. ઘટનાની જાણ થતાં ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ સહિત અગ્રણીઓએ પરિવારને સાંત્વના પાઠવી હતી અને વીર જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. સમગ્ર મામલે મૃતક જવાનના સબંધીની ફરિયાદ આધારે ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

