કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા પાનસ ગામના (વાંગણ ફળિયું) ખાતે નવા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી શિક્ષક ભાઈઓ અને બહેનો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ જેમાં કપરાડા તાલુકાના બીટ મુજબ શિક્ષક ભાઈઓ અને બહેનોની ટીમે ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટ ના ઉદ્ઘાટન પ્રસંગે પાનસ ગામના પ્રથમ નાગરિક શ્રીમતી હીનાબેન પટેલ,તાલુકા પંચાયત સદસ્ય ઇન્દિરાબેન ચૌધરી, તાલુકા પંચાયતના માજી કાર્યધ્યક્ષ બાબલુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષક ભાઈઓ બહેનોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ગોકુળભાઈ પટેલ, મહામંત્રીશ્રી રાજેશભાઇ, કાર્યાધ્યક્ષ શ્રી જયેશભાઈ પાડવી તથા જિલ્લા પ્રા શિક્ષક સંઘના સમગ્ર હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી બીપીનભાઈ, મહામંત્રીશ્રી મિતેશભાઈ, ઉપપ્રમુખશ્રી અજયભાઈ, પ્રચાર મંત્રીશ્રી પ્રદીપભાઈ, જિલ્લા કારોબારી સભ્યશ્રીઓએ સુંદર આયોજન કર્યુ. શિક્ષક ભાઈઓમાં કોલવેરા ટીમ ફાઈનલ અને આમ્રવન ટીમ રનર્સ અપ રહી હતી. જ્યારે શિક્ષિકા બહેનોમાં સુથારપાડા વિજેતા અને સિલધા ક્વિન્સ રનર્સ અપ રહી હતી.
ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહી ખેલાડી શિક્ષક ભાઈઓ અને બહેનોને પ્રોત્સાહિત કર્યું હતું અને શિક્ષકોની હાજરીની નોંધ લઈ શ્રીગોકુળભાઈ પટેલે સંગઠનની શક્તિની પ્રશંસા કરી હતી. સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટની વ્યવસ્થા અને સંચાલન તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચી શ્રી કિરણકુમાર ભરસટે કર્યુ હતું. અંતે વિજેતા અને રનર્સ અપ રહેતી ટીમને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

