ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના ખડકી ગામે પશુપાલન કરી પોતાનું ગુજરાન ચલાવતા સભાસદો અને ખેડૂતોને પડતી વિવિધ તકલીફો અંગે તા. ૨૨/૧૦/૨૦૨૬ના રોજ પ્રાંત અધિકારીશ્રી તેમજ ધરમપુર પોલીસ ઇન્સ્પેક્ટર (PI) શ્રીને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી અને ન્યાયિક નિરાકરણની માંગ કરવામાં આવી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ, ખડકી ગામના 150 થી વધુ પશુપાલક સભાસદોને પડતી મુશ્કેલીઓ સંદર્ભે અગાઉ આલીપોર ખાતે રજૂઆત કરવામાં આવી હતી. તે સમયે આલીપોરથી જવાબદાર અધિકારીઓ આવીને પશુપાલકોની વાત અને સમસ્યાઓ સાંભળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ત્યાંના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા સભાસદો સાથે ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી. જવાબદારોના આવા અસહકારપૂર્ણ અને ગેરવર્તણૂકના કારણે ફરિયાદી સભાસદો રજૂઆત અધૂરી મૂકીને ત્યાંથી ઊઠી જવાની ફરજ પડી હતી.

રસીદ વગર 3000 હજારનો લોકફાળો ઉઘરાવાયો ! પ્રાંત અધિકારી અને PIને અપાયેલા લેખિત આવેદનપત્રમાં પશુપાલકોએ એક ગંભીર આરોપ મૂક્યો છે કે, સભાસદો પાસેથી લોકફાળાના નામે રૂ. ૩,૦૦૦-૩,૦૦૦ ઉઘરાવવામાં આવ્યા છે. આટલી મોટી રકમ લીધા છતાં કોઈ પણ સભાસદને તેની અધિકૃત રસીદ આપવામાં આવી નથી. આ લોકફાળો કઈ બાબત માટે અને શાના માટે લેવામાં આવ્યો છે તેની સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ પણ ઊઠી છે.

150 થી વધુ સભાસદોના હિતમાં તપાસની માંગ ખડકી ગામના 150 થી પણ વધુ પશુપાલકો પશુપાલન પર જ નભતા હોવાથી, આ સમગ્ર મામલે તટસ્થ તપાસ હાથ ધરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને પશુપાલકોને પડતી તકલીફોનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી લેખિત માંગણી પ્રાંત અધિકારી અને પોલીસ તંત્ર સમક્ષ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here