ઉમરગામ: આમ આદમી પાર્ટી (AAP)ને ઉમરગામ તાલુકામાં ભારે આંચકો લાગ્યો છે. AAPના તાલુકા પ્રમુખ અને ચૈત્ર વસાવાના નજીકના મનીષભાઈ હળપતિ કેસરીયાએ આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવાની જાહેરાત કરી છે.
રાજ્યના નાણાંમંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગ લોકસભા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ અને ઉમરગામ વિધાનસભ્ય શ્રી રમણલાલ પાટકરની વિશેષ ઉપસ્થિતિમાં મનીષભાઈએ ભાજપનો ખેસ ધારણ કર્યો. તેમની સાથે આશરે ૧૫૦૦ સમર્થકોએ પણ ભાજપમાં જોડાઈને વિકાસની રાજનીતિમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
મનીષભાઈ હળપતિ AAPમાં તાલુકા સ્તરે અગ્રણી નેતા તરીકે જાણીતા હતા. તેમના આ નિર્ણયથી ઉમરગામ તાલુકામાં AAPનું સંગઠન નબળું પડશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ ભાજપનું સ્થાનિક સ્તરે સંગઠન વધુ મજબૂત બનશે અને આગામી વિવિધ ચૂંટણીઓમાં પાર્ટીને વધુ લાભ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાજપના નેતાઓએ આ જોડાણને “વિકાસ અને સેવાની રાજનીતિમાં વધુ એક મજબૂત પગલું” તરીકે વર્ણવ્યું છે. તેઓએ કહ્યું કે મનીષભાઈ જેવા અનુભવી અને લોકપ્રિય નેતાના આવા નિર્ણયથી પાર્ટીને ઉમરગામ અને આસપાસના વિસ્તારોમાં નવી ઊર્જા પ્રાપ્ત થશે. આ ઘટના વલસાડ જિલ્લામાં રાજકીય સમીકરણોને વધુ રસપ્રદ બનાવી દેશે તેમ માનવામાં આવી રહ્યું છે.











