પારડી: ગતરોજ સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને વલસાડ ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં પારડી તાલુકાની પરિયા જિલ્લા પંચાયત બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ અદિતિ અંકિત પટેલને ઉમેદવાર તરીકે પસંદ કરી છે. આ પસંદગીને લઈને સ્થાનિક કાર્યકરો અને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અદિતીબેનના પતિ અંકિત પટેલ વલસાડ જિલ્લા ભાજપના સંગઠનને મજબૂત કરવામાં સતત સક્રિય રહ્યા છે. તેઓ લોકોના નાના-મોટા પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. પાયાના કાર્યકર તરીકેની તેમની લાંબા સમયની સેવા અને સમર્પણને પરિણામે પાર્ટીએ તેમની પત્ની અદિતીબેનને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી આપીને તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અદિતીબેન પણ લોકો સાથે સતત સંપર્કમાં રહીને તેમની સમસ્યાઓના નિવારણ માટે કામ કરશે તેવી સ્થાનિક લોકોમાં મજબૂત આશા છે. તેઓ મહિલાઓ અને યુવાનોના મુદ્દાઓને વિશેષ પ્રાથમિકતા આપીને વિકાસની કામગીરીને વેગ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે.
વલસાડ ભાજપ યુવા મોરચાના મહામંત્રી મયંક પટેલે જણાવ્યું હતું કે, “અંકિતભાઈના સતત સંગઠન કાર્ય અને અદિતીબેનની સમર્પણભાવનાને પાર્ટીએ માન આપ્યું છે. આ પસંદગી વલસાડ ભાજપની મહિલા સશક્તિકરણ અને યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપતી છે.” આ પસંદગી સાથે પારડી તાલુકામાં ભાજપના વિકાસના વારસાને વધુ મજબૂતી મળશે તેવી અપેક્ષા છે.











