વાલોડ: વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીનો માહોલ છે ત્યારે આજરોજ વાલોડ તાલુકાની ભીમપોર ખાતેની  હથુકા પિયત મંડળી હેઠળ નોંધાયેલા ખેડૂત ખાતેદારોને પીયત માટે પાણી નહિ મળતાં ખેડૂતોમાં રોષની આગ ભભૂકી ઉઠી છે અને ખાતેદારોની માંગ છે કે..

Decision News ને મળેલી જાણકારી મુજબ હથુકા પિયત મંડળી હેઠળ ભીમપોર અને ડુમખલ ગામના અગાસી વિસ્તારના 70-80 વીઘા ખેતી ધરાવતા નાના નાના 15 થી 18 જેટલા આદિવાસી ખેડૂત કુટુંબોને જમીનદારી માનસિકતા રાખી પિયત માટે પાણી આપવામાં આવતું નથી. તેઓ પિયાવો ભરવા જાય તો પણ “લીકેજ છે પાણી મળશે નહિ” એમ કહી પિયાવો લેવાની પણ ના પાડી દેવામાં આવે છે. જેથી તેઓ પોતાના પોતાના કુટુંબ માટે ખાવા જેટલી પણ ખેતી કરી સકતા નથી અને દિવસ ઉપર મજૂરી કરીને વેચાતું લાવીને ખાવા માટે મજબૂર બન્યા છે. આ અંગે ગામ લોકો એ ભેગા થઈને વારંવાર વાલોડ સિંચાઈ વિભાગને મળીને રજૂઆતો કરી છે લેખિત આવેદનો પણ આપ્યા છે જેમાં તેઓ દ્વારા વખતો વખત સહકાર પણ આપવામાં આવ્યો છે પણ પ્રશ્નનું કાયમી નિરાકરણ આવતું નથી.

40 વર્ષથી જ્યાં પાણી જતું હતું તે છેલ્લા 4-5 વર્ષથી કોઈને કોઈ બહાના હેઠળ અટકાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં આખી નહેર જ એ વિસ્તારમાં પિયતનું પાણી ખેડૂતોને પહોંચે નહી તે રીતે પુરી દેવામાં આવી છે જે ફોટામાં જોઈ શકાય છે. ચૂંટણીના સમયે ગામના લોકોમાં લોકોમાં “પાણી નહિ તો વોટ નહીં” ની ચર્ચા ઉગ્ર બની છે. સરકાર આદિવાસીઓ તરફ ધ્યાન આપતી નથી એનો એક નમૂનો અહીં જોવા મળે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here