મદુરાઈ: સાત્તંકુલમ (Sathankulam) પિતા-પુત્ર પોલીસ કસ્ટડી મૃત્યુ કેસમાં તમામ 9 પોલીસકર્મીઓને ફાંસીની સજા ફટકારી છે. સેશન્સ જજ જી. મુત્થુકુમારે આ કેસને ‘rarest of rare’ કહીને બંને હત્યાઓ માટે ડબલ ફાંસીની સજા કરી છે. તેમણે તમામ આરોપીઓ પર પીડિત પરિવારને વળતર તરીકે લગભગ ₹1.4 કરોડનો દંડ પણ ફટકાર્યો છે.

શું ઘટના હતી ? તૂતિકુડી જિલ્લામાં સાત્તંકુલમ પીડિત પી. જયરાજ (58) અને તેમના પુત્ર જે. બેનિક્સ (31) બંને મોબાઈલ શોપ ચલાવતા હતા. 19 જૂન 2020ના રોજ, કોવિડ લોકડાઉનના સમય મર્યાદા કરતાં વધુ સમય દુકાન ખુલ્લી રાખવા બદલ પોલીસે અટકાયત કરી. સાત્તંકુલમ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને ઘણા કલાકો સુધી બન્નેને મારઝૂડ કરી. બંનેને હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે તેમની હાલત ગંભીર હતી. જયરાજ અને બેનિક્સ થોડા દિવસમાં જ મૃત્યુ પામ્યા. CBIએ તપાસ કરી અને 9 પોલીસકર્મીઓ વિરુદ્ધ IPC કલમ- 302/ 342/ 195/ 211/ 218 વગેરે હેઠળ કેસ નોંધ્યો. બન્નેના શરીર પર અસંખ્ય અસ્વાભાવિક ઈજાઓ હતી.

કોને મત્યુદંડની સજા થઈ ? પોલીસ ઈન્સ્પેક્ટર એસ. શ્રીધર/ સબ-ઈન્સ્પેક્ટર પી. રાઘુ ગણેશ/ કે. બાલકૃષ્ણન/ હેડ કોન્સ્ટેબલ એસ. મુરુગન/ એ. સામીદુરાઈ/ કોન્સ્ટેબલ એમ. મુત્થુરાજ/ એસ. ચેલ્લાદુરાઈ/ એક્સ. થોમસ ફ્રાન્સિસ/ એસ. વેલુમુથુનો સમાવેશ થાય છે. આરોપી ઉપર અત્યાચાર કરવાના કેસમાં પોલીસને મૃત્યુદંડની સજા થઈ હોય તેવી ઘટના ભાગ્યે જ બને છે. ટાઈગર બામ આંખમાં આંજી દૃષ્ટિહીન કરો/ ગુદામાં પેટ્રોલ નાંખો તો તપાસ પણ થતી નથી !સાત્તંકુલમ કેસને લેન્ડમાર્ક માનવામાં આવે છે કારણ કે એક જ કેસમાં 9 પોલીસને એકસાથે ફાંસીની સજા થઈ છે.

કેરળમાં યુદયકુમારની ચોરીના આરોપમાં 2005માં અટકાયત કરી હતી, જેનું કસ્ટડી મૃત્યુ થયેલ. 2018માં CBI કોર્ટે બે પોલીસ અધિકારીઓને ફાંસીની સજા કરી હતી. ત્રીજા આરોપીનું ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયું હતું. આ કેરળમાં કસ્ટડી મૃત્યુ માટે પ્રથમ ફાંસીની સજા હતી. મોટાભાગના કસ્ટડી મૃત્યુ કેસમાં પોલીસને સજા થતી નથી, અથવા હળવી સજા (જેમ કે 7 વર્ષની જેલ) થાય છે. આવા કેસોમાં વારંવાર impunity (સજા ન મળવી)ની ટીકા થાય છે. આ કેસમાં પણ 6 વર્ષ લાગ્યા અને CBI તપાસ પછી જ ન્યાય મળ્યો.

ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથ માટે કોઈ પોલીસ/ જેલ અધિકારીને ફાંસીની સજા થઈ નથી.

1990માં, જામનગર જિલ્લામાં તત્કાલીન એડિશનલ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (ASP) સંજીવ ભટ્ટ (IPS) અને એક કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને 2019માં જામનગર સેશન્સ કોર્ટે પ્રભુદાસ માધવજી વૈષ્ણાની કસ્ટોડિયલ ડેથ માટે આજીવન કેદની સજા કરી છે. સંજીવ ભટ્ટનું આ પ્રથમ પોસ્ટિંગ હતું. સુપ્રીમ કોર્ટે પણ બેલ નકારી કાઢ્યા છે. આ ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથ માટે સૌથી ચર્ચાસ્પદ અને કડક સજાનો કેસ છે.

પ્રભુદાસ વૈષ્ણાની કેસ શું હતો? અડવાણીએ સોમનાથથી અયોધ્યા સુધીની રથયાત્રા કાઢેલ. દરમિયાન બિહારમાં અડવાણીની અટકાયત થઈ. ભાજપે ‘ભારત બંધ’નું એલાન આપ્યું. ગુજરાતમાં 30 ઓક્ટોબર 1990ના રોજ ઠેરઠેર પ્રદર્શન થયા. જામનગર જિલ્લાના જામજોધપુર પોલીસ સ્ટેશનમાં મારઝૂડ થઈ હતી. 133+ લોકોની અટકાયત થઈ, તેમાં પ્રભુદાસ વૈષ્ણાની પણ હતા. તેમને કેટલાક દિવસ પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને 5-6 નવેમ્બર 1990ના રોજ કિડની ડેમેજ થવાથી તેમનું મૃત્યુ થયું હતું. 1992-1995 દરમિયાન CIDએ તપાસ કરી. પછી સરકાર પાસે CrPC કલમ 197 હેઠળ મંજૂરી માંગવામાં આવી; કારણ કે સંજીવ ભટ્ટ ત્યારે પબ્લિક સર્વન્ટ/પોલીસ અધિકારી હતા અને કથિત કૃત્ય ડ્યુટી દરમિયાન થયું હતું. માર્ચ 1995 ગુજરાત સરકારે મંજૂરી આપવાની ના પાડી. CIDએ ‘A- Summary’ ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો. મે-જુલાઈ 2011 સુધી કેસ અટકેલો રહ્યો. હાઈકોર્ટમાં સ્ટે પણ હતો. દરમિયાન સંજીવ ભટ્ટે નાનાવટી-મહેતા કમિશન સમક્ષ 2002ના રમખાણો અંગે સરકાર/ મોદી વિરુદ્ધ અફિડેવિટ આપ્યું. એટલે ગુજરાત સરકારનું વલણ બદલાયું. સપ્ટેમ્બર 2011માં સરકારે પોતાની જૂની અરજી પાછી ખેંચી લીધી અને મંજૂરી આપી ! કલમ-197 મુજબ પબ્લિક સર્વન્ટ (પોલીસ અધિકારી સહિત)ને રક્ષણ આપે છે. જો કોઈ કૃત્ય official duty દરમિયાન થયું હોય તો સરકારની મંજૂરી વગર તેમની સામે કોર્ટમાં કેસ ચલાવી શકાતો નથી. 1995માં સરકારે (ચીમનભાઈની) માન્યું કે આ કૃત્ય ડ્યુટીના ભાગરૂપે હતું, તેથી મંજૂરી ન આપી. 2011માં સરકારને (મોદીની) લાગ્યું કે આ કૃત્ય ડ્યુટીના ભાગરૂપે ન હતું! સરકારને સંજીવ ભટ્ટને સજા કરવી હતી એટલે આ સજા થઈ છે. બાકી અનેક નકલી એન્કાઉન્ટર કરનાર અધિકારીઓના કિસ્સામાં સરકારે મંજૂરી ન આપી !

ન્યાયતંત્ર જ્યારે ‘બદનામ (ગુનેગાર) ’ખાખી’ ને ફાંસીના માંચડે ચડાવે છે, ત્યારે તે સામાન્ય માણસનો લોકશાહીમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરે છે. સાત્તંકુલમ કેસમાં 9 પોલીસવાળાને સજા થવી એ વિશ્વભરના માનવાધિકાર સંગઠનો માટે એક દાખલો છે. રહી વાત સંજીવ ભટ્ટના કેસની, તો તે ‘પસંદગીના ન્યાય’ (Selective Justice)નું ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે સરકારને અનુકૂળ હોય ત્યારે કલમ 197 ‘રક્ષણ’ બને છે અને જ્યારે પ્રતિકૂળ હોય ત્યારે તે ‘હથિયાર’ બને છે. જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ એ છે કે આપણે જનતાને એ સમજાવીએ કે ગુનો ‘ખાખી’ એ કર્યો હોય કે ‘ખાદી’એ, ન્યાયના માપદંડ બદલાવા ન જોઈએ. જો ટાઈગર બામ અને પેટ્રોલના અત્યાચારો પર આજે પણ મૌન રહેવાય, તો સમજવું કે આપણે હજુ સુધરેલા સમાજથી જોજનો દૂર છીએ.

BY રમેશ સવાણી [6 એપ્રિલ 2026]


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here