તાપી: આમ આદમી પાર્ટી (AAP) એ ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓમાં યુવા વર્ગને મજબૂત તક આપતા એક મહત્વનું પગલું ભર્યું છે. પાર્ટીએ તાપી જિલ્લાની ડોલવણ જિલ્લા પંચાયતની બેઠક માટે ૨૪ વર્ષીય યુવતી હેત્વી મનીષભાઈ ગામીતને ઉમેદવાર બનાવી છે.
હેત્વી ગામીત B.E. ઓટોમોબાઈલ એન્જીનીયરિંગની ડિગ્રી ધરાવે છે. વિશ્વભરમાં ચાલી રહેલી Gen-Z યુવા ક્રાંતિને અનુરૂપ આમ આદમી પાર્ટીએ આ વખતે યુવક-યુવતીઓને મોટા પાયે તક આપવાની શરૂઆત કરી છે. પાર્ટીના આ પગલાને રાજ્યમાં યુવા વર્ગના રાજકારણમાં નવો વળાંક માનવામાં આવી રહ્યો છે. આમ આદમી પાર્ટી આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુખ્ય મુદ્દાઓને આધારે લોકો સમક્ષ આવી રહી છે. પાર્ટીના વચનોમાં મફત શિક્ષણ, સ્ત્રીઓને દર મહિને 1000 રૂપિયાનું વેતન, ગરીબોને મફત આરોગ્ય સેવા, ફ્રી વીજળી, ભ્રષ્ટાચારમુક્ત સરકાર અને રોજગારીમાં સમાન તકોનો સમાવેશ છે. આ મુદ્દાઓને લઈને પાર્ટીનું માનવું છે કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં નવા પરિવર્તનો જોવા મળી શકે છે. પાર્ટીના આ નિર્ણયને લઈને સ્થાનિક સ્તરે યુવા વર્ગમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હેત્વી ગામીત જેવી યુવા અને શિક્ષિત ઉમેદવારોને તક આપવાથી પાર્ટીનો હેતુ સ્પષ્ટ છે સ્થાનિક સ્તરે પણ આધુનિક અને પરિવર્તનકારી નેતૃત્વ તૈયાર કરવું. આ ઉમેદવારીની જાહેરાત સાથે જ ગુજરાતની સ્થાનિક રાજકીય પરિસ્થિતિમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.











