ડાંગ: મહિલા અને બાળકલ્યાણ ક્ષેત્રે અસાધારણ કામગીરી તેમજ પાણીના સંવર્ધનમાં નોંધપાત્ર યોગદાન આપનાર મોગરાવાડી ગામના નીતાબેન અસુભાઈ પટેલને શ્રી કિકુભાઈ ગુલાબભાઈ નાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ‘શ્રી કિકુભાઈ નાયક સન્માન’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ડાંગ જિલ્લામાં ચીખલી તાલુકાના મોગરાવાડી ગામના નીતાબેનને ‘ડાંગના વોટર ચેમ્પિયન’ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ ડાંગ, ધરમપુર, કપરાડા અને નાસિકના આંતરિયાળ વિસ્તારોમાં પાણીના સંવર્ધન, જળસંગ્રહ અને મહિલા-બાળક કલ્યાણના કાર્યોમાં સક્રિય છે. તેમની આ અવિરત સેવાભાવી કામગીરીને પ્રોત્સાહન આપવા ટ્રસ્ટે તેમને આ પ્રતિષ્ઠિત સન્માનથી નવાજ્યા છે.
સમારંભમાં નવસારી જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ અને ખેરગામ છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું, “નીતાબેન અમારા માટે મોટાબેન અને પ્રેરણાના સ્ત્રોત છે. તેમની જેમ જો માત્ર ૧૦૦ મહિલાઓ પણ સમાજસેવા અને દેશસેવા માટે આગળ આવે તો દક્ષિણ ગુજરાતના ગરીબ અને આદિવાસી વિસ્તારોની કાયાપલટ થઈ જશે.” નીતાબેનની કામગીરીને સ્વસ્થ સમાજ અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમનું આ સન્માન સમગ્ર આદિવાસી વિસ્તારોમાં મહિલાશક્તિના સશક્તિકરણનું પ્રતીક બની રહ્યું છે.











