વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ૮૪ ગ્રામ પંચાયતોમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) હેઠળ કામ કરતા શ્રમિકોને જાન્યુઆરી મહિનાથી મજૂરી ચૂકવવામાં આવી નથી. આ કારણે ખાસ કરીને મહિલા શ્રમિકોને ઘર ચલાવવામાં ભારે તકલીફ પડી રહી છે.
મનરેગા યોજના હેઠળ ગામડાઓમાં કામ મેળવીને પરિવારનું ગુજરાણ ચલાવતી મહિલાઓએ આ સમસ્યાને લઈને વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલને વાઘાબારી દૂધ મંડળી ખાતે રજૂઆત કરી હતી. કોંગ્રેસ સરકારે મહાત્મા ગાંધીના નામે આ કાયદો બનાવ્યો હતો, પરંતુ હાલમાં તેનું નામ જીરામજી રાખવામાં આવ્યું છે તેમ છતાં યોજના સાર્થક થતી નથી. મજૂરી ન મળવાથી ઘરની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે.
ધારાસભ્ય અનંત પટેલે શ્રમિક મહિલાઓની વેદના સાંભળીને કહ્યું, “જો આ સરકાર વહેલી તકે બાકી મજૂરી ચૂકવતી નથી તો અમે આંદોલન કરીશું અને શ્રમિકોને ન્યાય અપાવીશું.” તેમણે શ્રમિકોને આશ્વાસન આપ્યું કે આ મુદ્દે તેઓ સરકાર સમક્ષ મજબૂત રજૂઆત કરશે.
સ્થાનિક શ્રમિકોનું કહેવું છે કે મનરેગા યોજના ગરીબ અને બેરોજગાર લોકો માટે છે, પરંતુ કામ કર્યા પછી પણ મજૂરી ન મળે તો આ યોજનાનો કોઈ અર્થ રહેતો નથી. આ મામલે તાલુકા તંત્ર અને સરકાર તરફથી શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.











