ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ભાંભા ગામના એક શિક્ષક દંપતીની માત્ર દોઢ વર્ષની પુત્રી રાઠોડ ‘જીવા’એ અપાર પ્રતિભા અને અદ્ભુત સ્મૃતિશક્તિનું પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ નવો રેકોર્ડ સર્જી વન ઇન અ મિલિયન’નો ખિતાબ મેળવ્યો છે.

ભાંભા ગામના હેમંતકુમાર રાઠોડ અને સ્મિતાબેન રાઠોડની દીકરી જીવાનો જન્મ 29 મે 2024ના રોજ થયો હતો. હાલમાં 1 વર્ષ અને 7 મહિનાની વયે જીવાએ પ્રાણીઓ, પક્ષીઓ, વાહનો, ફળો, શાકભાજી, શરીરના અંગો, વિવિધ વસ્તુઓ, ક્રિયાઓ તેમજ અંગ્રેજી મૂળાક્ષરો અને તેમના ફોનિક્સ (ઉચ્ચાર) સાથે ઓળખીને સ્પષ્ટ રીતે બોલીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ અસાધારણ પ્રતિભાને જોતાં ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સે જીવાને ‘સુપર ટેલેન્ટેડ કિડ’ના ખિતાબથી સન્માનિત કરીને ‘વન ઇન અ મિલિયન’ તરીકે સત્તાવાર માન્યતા આપી છે.

જીવાની માતા સ્મિતાબેને જણાવ્યું કે, “જીવા જેવી ઉંમરના અન્ય બાળકો કરતાં તે વધુ સ્પષ્ટ અને વધુ વસ્તુઓ ઓળખે છે અને બોલે છે. તેની આ ક્ષમતા જોઈને અમે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સમાં નોમિનેશન કર્યું હતું અને તેને આવો બહુમાન મળ્યો તે અમારા માટે ગર્વની વાત છે.”

ધરમપુરના કોઠી ફળિયામાં સાંઈ સૃષ્ટિ એપાર્ટમેન્ટમાં રહેતા આ નાનકડા પ્રતિભાશાળી બાળકે પોતાની અસાધારણ ક્ષમતાથી આખા વિસ્તારમાં ખ્યાતિ મેળવી છે. શિક્ષક માતા-પિતાના સતત માર્ગદર્શન અને પ્રોત્સાહનને કારણે જીવા આટલી નાની ઉંમરે આવી અદ્ભુત સિદ્ધિ હાંસિલ કરી શકી છે. જીવા જેવા બાળકો ભવિષ્યમાં દેશનું નામ વધુ ઉજ્જવળ કરશે તેવી આશા સૌને છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here