ડાંગ: ગતરોજ ડાંગ જિલ્લાના આદિવાસી યુવાન સંતોષ ગાંવિતે છત્તીસગઢમાં આયોજિત ખેલો ઇન્ડિયા રમતોત્સવમાં 400 મીટર દોડની સ્પર્ધામાં સોનાનું મેડલ જીતીને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે. સંતોષ ગાંવિતે રાષ્ટ્રીય સ્તરની આ મોટી સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવીને ડાંગ જિલ્લા તેમજ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ખુશીની લહેર ફેલાવી દીધી છે.

આ સિદ્ધિને આદિવાસી સમાજની મહત્વની ઉપલબ્ધિ ગણવામાં આવી રહી છે. આ બાબતે ગુજરાત આદિવાસી સમાજના રાજ્ય પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયાએ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે. તેમણે સંતોષ ગાંવિતને અભિનંદન પાઠવ્યા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી છે.

ખેરગામના સર્જન ડો. નિરવ ભુલાભાઈ પટેલએ જણાવ્યું કે, ડો. પ્રદીપભાઈ ગરાસિયાએ સંતોષને સારી ગુણવત્તાવાળા બુટ્સ સહિત કિટની વ્યવસ્થા કરી આપવા પહેલ કરી હતી. માત્ર એક જ કલાકમાં સ્થાનિક લોકોએ સંતોષ પર વિશ્વાસ મૂકીને મદદ કરી હતી. અને સંતોષે આ વિશ્વાસને અતૂટ રાખીને શાનદાર પ્રદર્શન કર્યું છે. સંતોષે લોકોનો વિશ્વાસ જાળવી રાખ્યો છે અને ગુજરાતના આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે. આ બદલ આખા ડાંગ જિલ્લા અને આદિવાસી સમાજને ખૂબ જ ગર્વ છે.”

સંતોષ ગાંવિતની આ સિદ્ધિને આદિવાસી યુવાનો માટે પ્રેરણાદાયી ગણવામાં આવી રહી છે. આ ઘટના દર્શાવે છે કે સમર્થન અને મહેનતના સંયોગથી આદિવાસી વિસ્તારોના યુવાનો પણ રાષ્ટ્રીય સ્તરે શાનદાર સિદ્ધિ હાંસલ કરી શકે છે.
આદિવાસી સમાજના અનેક આગેવાનો અને સ્થાનિક લોકો સંતોષ ગાંવિતને અભિનંદન પાઠવી રહ્યા છે અને તેમને આગળની સ્પર્ધાઓ માટે પણ શુભેચ્છાઓ આપી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here