વાંસદા: વિશ્વના બધા જ સમાજશાસ્ત્રીઓ, ઇતિહાસવિદો માને છે કે વિશ્વના આદિવાસીઓ જે તે દેશના મૂળ નિવાસીઓ છે. આ વાત વિશ્વની બધી જ પ્રજા સ્વીકારે છે પણ મનુવાદી અને અવશિષ્ટ મનુવાદી માનસિકતા ધરાવનારા હિન્દુ મહાસભાના અને સંઘ પરિવાર, બ્રાહ્મણવાદીઓ આદિવાસીઓને ભારતના મૂળ રહેવાસી તરીકે સ્વીકારવા તૈયાર નથી અને એ માનસિકતાને કારણે તેઓ આદિવાસીઓના મૂળનિવાસી તરીકેના અધિકારોને ભુલાવી દેવા માટે આદિવાસીઓને વનવાસી તરીકે ઓળખાવી રહ્યા છે.
આ મુદ્દે જ્યારે Decision News દ્વારા ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરવામાં આવી તો તેમનું કહેવું હતું કે વર્તમાન સમયમાં આદિવાસીઓ, પોતાના મૂળ નિવાસી તરીકેના અસ્તિત્વ અને અધિકારો પ્રત્યે જાગૃત થાય તે પહેલા જ તેમને આદિવાસી તરીકેની અને આ દેશના મૂળ નિવાસી તરીકેની ઓળખ ભુલાવી દેવા માટે કેટલાંક ષડયંત્રો રચવામાં આવી રહ્યા છે અને આદુ ખાઈને આદિવાસીઓની વનવાસી બનાવવાના મરણીયા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હવે આદિવાસીના નવયુવાન શિક્ષિત દીકરા દીકરીઓ આ માનસિકતાને સરસ રીતે ઓળખી ગયા છે. અને જાગૃત થવા માંડ્યા છે.
વધુમાં કહ્યું કે આઝાદીના 75 વર્ષ પછી લોકનાયક રાહુલ ગાંધી વડોદરામાં આદિવાસી સામાજિક ન્યાય સંમેલન માટે આવ્યા ત્યારે તેમણે આ મુદ્દાને સરસ રીતે આદિવાસી યુવાનો સામે ઉજાગર કરી બતાવ્યો. રાહુલ ગાંધી કહે છે. કે મને ચૂંટણીમાં જીત મળે કે પરાજય મળે તે મારા માટે અગત્યનું નથી પરંતુ હું આદિવાસીઓના મૂળભૂત અધિકારો, મૂળ નિવાસી તરીકેની ઓળખ અને આદિવાસીઓની તેમની વસ્તીના પ્રમાણમાં ભારતીય સમાજ વ્યવસ્થા અને ભારતીય રાજનીતિમાં ભાગીદારી નિર્માણ કર્યા વગર રહેવાનો નથી..!
ઈતિહાસ સાક્ષી પૂરે છે કે મહાત્મા ગાંધી કહેતા હતા કે આઝાદી નહીં મળશે તો ચાલશે પરંતુ મારે આદિવાસીઓ દલિતો મહિલાઓ ખેડૂતો ઓબીસીઓ મારા આંદોલનમાં જોઈએ અને હાલમાં આજે રાહુલ ગાંધી કહી રહ્યા છે કે મને કે કોંગ્રેસને સત્તા મળે કે ન મળે એ મહત્વનું નથી પરંતુ મારે આદિવાસીઓને દલિતોને ઓબીસીઓને મહિલાઓને ભારતીય રાજનીતિમાં ભારતીય સમાજ વ્યવસ્થામાં અને ભારતીય સંસ્કૃતિમાં ભાગીદાર બનાવવી છે અને તેમના હક્કો અપાવવા છે. હવે આદિવાસી બૌદ્ધિકો, આદિવાસી કર્મશીલો, આદિવાસી સંગઠનો તેમજ આદિવાસી રાજકીય નેતૃત્વએ હવે બધી જ વાતો પડતી મૂકીને અને બધા જ મતભેદો પડતા મૂકીને રાહુલ ગાંધીને પડખે ઊભા રહીને સમર્થન કરવાની જરૂર છે કેમ કે તે પોતાના અસ્તિત્વને ભોગે પણ આદિવાસીઓની ભાગીદારી અને અધિકાર માટે લડવા તૈયાર છે….











