આહવા: ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસની અછત અંગે ફેલાયેલી અફવાઓને કારણે સામાન્ય જનતા ભારે હાલાકીનો સામનો કરી રહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સ્નેહલ ઠાકરેની આગેવાનીમાં એક પ્રતિનિધિ મંડળે જિલ્લા પુરવઠા અધિકારીની મુલાકાત લીધી હતી અને લોકોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવા માંગ કરી હતી.
કોંગ્રેસ સમિતિએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, ઈંધણની અછતની અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે. જેના કારણે નોકરીયાત વર્ગ અને ઈમરજન્સી સેવાઓને અસર પહોંચી રહી છે. બીજી તરફ, રાંધણ ગેસના અનિયમિત પુરવઠાને કારણે ગૃહિણીઓ સહિત હોટેલ અને નાશ્તાની લારી ચલાવતા નાના વ્યવસાયિકોની રોજીરોટી પર સંકટ આવ્યું છે. મોંઘવારીના જમાનામાં પુરવઠાના અભાવે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ રહ્યું છે.
e-KYC ની પ્રક્રિયામાં અંધાધૂંધી:
ગેસ જોડાણ માટે ફરજિયાત કરવામાં આવેલ e-KYC પ્રક્રિયામાં પણ લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં સર્વરની સમસ્યા કે અન્ય ટેકનિકલ કારણોસર કામ થતું નથી, જેના કારણે ગ્રામીણ વિસ્તારના ગરીબ આદિવાસી પરિવારોને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે.
કાળાબજાર સામે કડક કાર્યવાહીની માંગ:
પ્રતિનિધિ મંડળે પુરવઠા અધિકારીને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અછતની આ સ્થિતિનો ફાયદો ઉઠાવીને કેટલાક અસામાજિક તત્વો પેટ્રોલ, ડીઝલ કે ગેસના કાળાબજાર ન કરે તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સ્થિતિમાં સુધારો નહીં આવે અને લોકોને પૂરતો જથ્થો સરળતાથી નહીં મળે, તો કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.











