બોટાદ: ગઢડા તાલુકાના એક ગામમાં માનવતાને શરમાવી દેતી અત્યંત ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. નવ નરાધમોએ 14 વર્ષીય માનસિક વિકલાંગ સગીરાને છેલ્લા છ મહિનાથી વારંવાર હવસનો શિકાર બનાવી હોવાનો આઘાતજનક ખુલાસો થયો છે.

પીડિતા માનસિક રીતે અશક્ત હોવાને કારણે વારંવાર ઘરેથી બહાર નીકળી જતી હતી. આ જ અસહાય સ્થિતિનો લાભ લઈને આ આરોપીઓએ તેને વારંવાર એકાંતમાં લઈ જઈ અમાનુષી દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાનો ભાંડો ત્યારે ફૂટ્યો જ્યારે એક દિવસ સગીરા મોડી સાંજે ઘરે પરત આવી. માતા-પિતાએ પૂછપરછ કરતાં અબૂધ બાળકીએ પોતાની સાથે બનેલી હકીકત જણાવી.

આ સાંભળી આખો પરિવાર આઘાતમાં સરી પડ્યો અને તરત જ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નવ આરોપીઓ દ્વારા આ કૃત્ય છેલ્લા છ મહિનાથી સતત ચાલતું હતું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને આક્રોશ જગાડ્યો છે.

આ બનાવે ફરી એકવાર દીકરીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. લોકોમાં માંગ ઊઠી છે કે આવા હવસખોરોને કડકમાં કડક સજા આપવામાં આવે, સમાજમાં આવી અમાનવીય ઘટનાઓ રોકવા માટે કાયદાની સાથે સંવેદનશીલતા, જાગૃતિ અને જવાબદારીની પણ તાત્કાલિક જરૂર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here