નર્મદા: ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા નર્મદા જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી જિલ્લા સંકલન તથા ફરિયાદ નિવારણ સમિતિની બેઠક બાદ મીડિયા સમક્ષ મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગોના વર્ગ-૧ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ધારાસભ્યએ જણાવ્યું કે નર્મદા જિલ્લાના હિતને લગતા અનેક પ્રશ્નો બેઠકમાં ઉઠાવવામાં આવ્યા.
આ બેઠકમાં Decision News ને મળેલી જાણકારી મુજબ પોષણ સુધા યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં બાળકોને આપવામાં આવતું મેનુ અને દર બાળક દીઠ મળતી રૂ. 25 ની સહાય અંગે ચર્ચા કરવામાં આવી. છેલ્લા ત્રણથી ચાર મહિનાથી પેન્ડિંગ ફૂડ બિલ બાબતે તેમણે તાકીદ કરી હતી. અધિકારીઓએ ગ્રાન્ટ મળતા જ ચુકવણી કરવાની ખાતરી આપી છે. ખેતીની જમીનના હસ્તાંતરણ અને વેચાણ સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. આદિવાસી વર્ગ માટેની આવાસ યોજના હેઠળ ત્રીજો હપ્તો નાના-મોટા કામોના કારણે બાકી રહ્યો હોવાનું ધ્યાન દોરવામાં આવ્યું. અધિકારીઓએ માર્ચ અંત સુધી બાકી રકમ ચૂકવવાની ખાતરી આપી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પણ ત્રીજો અને ચોથો હપ્તો પૂર્ણ થયેલા મકાનોને માર્ચ સુધી ચૂકવવા રજૂઆત કરવામાં આવી.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે ઉચ્ચ અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં અંદાજે 8 થી 10 હજાર અરજીઓ મંજૂર થયેલી હોવા છતાં માત્ર 2935 વિદ્યાર્થીઓને જ રકમ મળ્યાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. બાકી તમામ વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી-માર્ચ પહેલા ચુકવણી થાય તેવી માંગ કરવામાં આવી છે. કુંવરબાઈ મામેરા યોજનામાં મળેલી 511 અરજીઓમાંથી 363 મંજૂર થયેલી છે, બાકીની અરજીઓ પણ માર્ચ અંત સુધી પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી. દેડિયાપાડા તાલુકાના સગાય રેન્જના અરેઠી ગામમાં વન વિભાગ દ્વારા વીજ કનેક્શન માટે જરૂરી દસ્તાવેજો ન આપવાના મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી. વન વિભાગના કામોમાં મશીનરીના બદલે સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી. શંભુનગરથી દેડિયાપાડા, દેડિયાપાડાથી માલસામોટ રોડ તેમજ ફુલસર-દુથર વચ્ચે અટકેલા વન વિભાગના કામો બે દિવસમાં ફરી શરૂ કરાશે તેવી ખાતરી ડીસીએફ દ્વારા બાંહેધરી આપવામાં આવી છે. આમ, નર્મદા જિલ્લાના વિકાસ માટે અટકેલા અને અધૂરા કામો માર્ચ અંત સુધી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર સમક્ષ મજબૂત રજૂઆત કરવામાં આવી છે.











