ખેરગામ: ​ખેરગામમાં વ્યાજખોરોના આતંક અને પોલીસની શંકાસ્પદ ભૂમિકાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છાંયડો હોસ્પિટલમાં આયા તરીકે કામ કરતી એક મજબૂર મહિલાએ અમદાવાદના વ્યાજખોર જીગર વ્યાસ અને તેની પત્ની સામે ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલાનો આરોપ છે કે, ઢોર માર અને અપહરણ જેવી ઘટના બની હોવા છતાં ખેરગામ પોલીસે તેને માત્ર ‘ટપલી’ ગણાવી ગુનેગારોને છાવરવાનો પ્રયાસ કર્યો છે.

​ભોગ બનનાર મહિલાએ પોતાના બીમાર દીકરાની સારવાર માટે લીધેલી લોનના હપ્તા ભરવા અમદાવાદના જીગર વ્યાસ પાસેથી નાણાં ઉધાર લીધા હતા. બેંક પાસબુકના પુરાવા મુજબ, મહિલાએ દોઢ વર્ષમાં બમણી રકમ ચૂકવી દીધી હોવા છતાં, વ્યાજખોર જીગર દ્વારા સતત ધાકધમકી આપી વધુ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હતી. આ દેવું ચૂકવવા માટે જ મહિલા હોસ્પિટલમાં સાફ-સફાઈની વધારાની નોકરી કરી રહી હતી.

અપહરણ અને અત્યાચારનો આક્ષેપ ​મહિલાના જણાવ્યા અનુસાર, જ્યારે તે હોસ્પિટલમાં એકલી સફાઈ કરી રહી હતી, ત્યારે જીગર વ્યાસ અને તેની પત્નીએ ત્યાં આવી ગાળો આપી, ઝાપટો મારી અને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી અપહરણ કરી ગયા હતા. ત્યાં તેને ગોંધી રાખી ઢોર માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, ફરિયાદ કરવાની જાણ થતા આરોપીઓએ મહિલાનો પીછો કરી ‘લાશ પાડી દેવાની’ ધમકી પણ આપી હતી.

ખેરગામ પોલીસની નબળી ભૂમિકા પર સવાલો: મહિલાનો સૌથી ગંભીર આક્ષેપ સ્થાનિક પોલીસ સામે છે: ​શરૂઆતમાં પોલીસે “કોર્ટ-કચેરીના ધક્કા થશે” તેમ કહી મહિલાને ફરિયાદ ન કરવા સમજાવી હતી. મહિલાએ જ્યારે મક્કમતા બતાવી ત્યારે પોલીસે ફરિયાદમાં ‘ઢોર માર’ ને બદલે માત્ર ‘ટપલી મારી’ જેવા હળવા શબ્દોનો પ્રયોગ કરી ગુનાની ગંભીરતા ઘટાડી દીધી હતી. મહિલાએ સ્પષ્ટપણે અપહરણ અને વ્યાજખોરીની વાત કરી હોવા છતાં, પોલીસે આ કલમો હેઠળ ગુનો નોંધ્યો નથી.

​ન્યાયની ગુહાર ​સ્થાનિક પોલીસની કામગીરીથી નિરાશ થયેલી મહિલાએ હવે ન્યાય માટે નવસારી જિલ્લા પોલીસ વડા (SP) ને લેખિત રજૂઆત કરી છે. વ્યાજખોરો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ વચ્ચે ખેરગામ પોલીસની આ ઢીલી નીતિ ચર્ચાનો વિષય બની છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here