ગાંધીનગર: ગતરોજ બજેટ સત્રમાં આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ સૂરપાણેશ્વર અભ્યારણ્ય વિસ્તારને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સાપુતારા સાથે જોડતા ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ અંગે 21 ગામોની ગ્રામસભાઓએ ચાર વખત સર્વાનુમતે અસંમતિના ઠરાવો પસાર કર્યા છે. તેમ છતાં આદિવાસી ખેડૂતોની જમીન યોગ્ય વળતર વિના સંપાદિત કરવાની પ્રક્રિયા ચાલતી હોવાનો તેમણે આક્ષેપ કર્યો.
તેમણે સ્પષ્ટ જણાવ્યું કે વિકાસના નામે એક ઇંચ પણ જમીન આપવામાં આવશે નહીં. ચૈતર વસાવાએ વધુમાં પ્રશ્ન નંબર 55 અંગે જણાવ્યું કે નર્મદાથી પાણી પુરવઠા માટે ઝરવાણી યોજના છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહી છે. 54 ગામોને પાણી આપવાનો દાવો કરીને કરોડો રૂપિયાના બિલ ચૂકવવામાં આવ્યા છે, છતાં એક પણ ગામને પાણી મળ્યું નથી.
હાલમાં પણ તાત્કાલિક પાણી મળશે એવી વાત કરવામાં આવી રહી છે, પરંતુ આ ભ્રષ્ટાચારનું ઉદાહરણ છે. તેમણે આક્ષેપ કર્યો કે અનેક પાણી પુરવઠા યોજનાઓ કાગળ પર પૂર્ણ બતાવવામાં આવે છે, પરંતુ જમીન પર લોકોને તેનો લાભ મળતો નથી. સરકાર દ્વારા આ તમામ મુદ્દાઓ પર સ્પષ્ટતા અને જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી હતી.











