વાંસદા: એક યુગનો અંત… આજરોજ વાંસદા તાલુકાના પાલગભાણ ગામના વતની આદિવાસી સમાજના અદ્ભુત તુર વાદક તરીકે જાણીતા બનેલા કનુભાઈ ધોડીઆ અવસાન પામ્યા ચ્ચે જેને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
Decision News ને મળેલી માહિતી મુજબ તુરવાદન અંગે ખૂબજ જાણીતા એવા કલાકાર કનુભાઈ ધોડીઆ ગત રોજ અવસાન પામતાં આદિવાસી કલા જગતે એક ઉચ્ચ દરજ્જાના કલા વાહક ગુમાવ્યા છે. ગુંજતું નામ એવા કનુભાઈ ધોડીઆ વિવિધ લોકકલાના જાણકાર હતા. આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમા તુર વાદ્ય વગાડવામાં તેમની પારંગતતા અજોડ હતી. વાંસદા પંથક માત્ર નહીં પણ દુર દુરના વિસ્તારોમાં તેમને તુરવાદન માટે નોતરવામાં આવતા હતા. તુર પર એમના હાથની થાપ પડતાં જ જાણે કે નૃત્યકારોના પગમાં થનગનાટ પેદા થતો, આવા કલાકાર વાદન સાથોસાથ નૃત્ય ટાણે ગવાતાં લ્હેરીયાં અંગે પણ નિપુણ હતા. ઉપરાંત ઘેર નૃત્યમાં પણ તેમની કુશળતા આંખે ઉડીને વળગે તેવી હતી. ખ્યાતનામ કલાકાર એવા કનુભાઈ ધોડીઆએ 2018 માં દિલ્હી ખાતે યોજાયેલ “વિશ્વ પુસ્તક મેળા” દરમિયાન તેમની ટુકડી સાથે તુર નૃત્ય અને ઘેર નૃત્ય રજૂ કરીને વિશ્વભર માંથી પધારેલા મહેમાનોનું મન મોહી લીધું હતું. તે વેળાએ ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત તત્કાલીન માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ રૂબરૂ મળીને તેમને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
આવા હોનહાર કલાકાર થોડા વર્ષોથી શારિરીક રીતે અશક્ત થયા હતા. હવે તેઓ અવસાન પામતાં દક્ષિણ ગુજરાતના કલાકાર જગત તેમજ ચાહકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.
BY: કુલીન પટેલ











