અમદાવાદ: જાન્યુઆરી-2026માં અમદાવાદના સિંધુ ભવન અને બીજા પોશ એરિયામાં ચોંકાવનારી પ્રવૃત્તિઓના બોર્ડ જોવા મળ્યા. આ પ્રવૃતિનો વ્યાપ છેલ્લા 5 વરસમાં આસમાને પહોંચ્યો છે. અમદાવાદ ઉપરાંત સુરત/ વડોદરા / ગાંધીનગર/ રાજકોટ વગેરે શહેરોમાં આ પ્રવૃત્તિ જોવા મળે છે.

આ પ્રવૃત્તિ છે massage parlourની, Spasની. ગૂગલ પર માહિતી મળે છે કે અમદાવાદમાં Full body to body massage parlours/ Best body to body massage parlours/ Asian massage parlours/ Spas & Wellness Centers અનેક છે. અમદાવાદમાં 10 ટોપ મસાજ પાર્લરમાં Aadi Spa/ The Iravati Luxury Spa/ Ode Spa/ Prakrutik Spa/ Ode Spa Novotel/ Dravya Spa/ Ode Spa, DoubleTree by Hilton/ The Spa – Sindhubhavan/ Ode Spa Club O7/ Health Mantra Spaનો સમાવેશ થાય છે. આ સિવાયના અનેક લક્ઝરી સ્પા/ પાર્લર જોવા મળે છે.

થોડા પ્રશ્નો:
[1] મસાજ પાર્લર/ સ્પામાં મોટાભાગે વિદેશી યુવતીઓ કેમ હોય છે ? મુખ્યત્વે થાઇલેન્ડ, ઉઝ્બેકિસ્તાન, ફિલિપાઇન્સ, યુગાન્ડા, રશિયા અને નાઇજીરિયા જેવા દેશોની હોય છે.

[2] જેઓ શારીરિક શ્રમ કરતા નથી એવા ધનિકો/ કાળા બજારિયાઓ/ ખનીજ ચોરો/ વ્યાજખોરો/ બિલ્ડરો/ સામાજિક અને રાજકીય નેતાઓ/ ઉચ્ચ અધિકારીઓ/ શોષણખોરો આવા સ્પા-મસાજ પાર્લરમાં પોતાનો થાક ઊતારવા આવે છે. શ્રમિકોને/ ખેડૂતોને થાક ન લાગે અને પરોપજીવીઓને જ થાક લાગે, એ કેવું ? વળી વિદેશી યુવતીઓ જો મસાજ કરે તો જ એમનો થાક ઊતરે અને ફ્રેશ થઈ જાય, એ ચમત્કાર નથી ?

[3] કેટલાક સ્પા અને મસાજ પાર્લરમાં વિદેશી યુવતીઓની હાજરી મોટે ભાગે અનૈતિક વ્યવસાય સાથે જોડાયેલી હોય છે. વિદેશી યુવતીઓને મસાજ અથવા સ્પા જોબના બહાને આકર્ષિત કરવામાં આવે છે, પરંતુ પછી તેમને આર્થિક દબાણથી સેક્સ વ્યવસાયમાં ધકેલવામાં આવે છે. શું આ ઉદ્યોગ RSS/ BJP/ VHP/ બજરંગદળને સંસ્કૃતિ પોષક લાગતો હશે?

[4] શું જુગાર, દારુની લતની માફક સ્પાના બંધાણીઓ નથી ? તેઓ આર્થિક રીતે/ કૌટુંબિક રીતે પાયમાલ થતાં નથી ? આ બાબતે સમાજે ચિંતા કરવાની જરુર નથી ? નજર સામેના Jeffrey Epsteinઓ આપણને કેમ દેખાતા નથી ?

[5] આ ઉદ્યોગમાં કેટલી વિદેશી યુવતીઓ છે તેનો કોઈ સત્તાવાર આંકડો નથી, પરંતુ અમદાવાદમાં જ 1000થી વધુ યુવતીઓ હોવાની શક્યતા છે. આખા ગુજરાતમાં કેટલી વિદેશી યુવતીઓ હશે તેનો ચોક્કસ આંકડો ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ જ આપી શકે. 2024માં એક દરોડામાં 14 વિદેશી યુવતીઓ મળી હતી. 2017માં 28 થાઇ યુવતીઓને પકડવામાં આવી હતી. અમદાવાદમાં 50થી વધુ સ્પામાં 300 જેટલી થાઇ યુવતીઓ હોવાનો અંદાજ છે. પોલીસ સિલેક્ટિવ દરોડા પાડે છે, કેમ ? સ્પાના સંચાલકો જો પોલીસને પ્રસાદ ન ધરે તો દરોડા પડે છે.

[6] અમદાવાદમાં આ ધંધો કેટલો ધમધોકાર ચાલે છે તેના અંદાજ માટે એક ઉદાહરણ આપું. અમદાવાદ ખાતે ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટમાં અમદાવાદ શહેર પોલીસના એક હથિયાર પોલીસ કોન્સ્ટેબલ ધણા વર્ષોથી ‘એટેચ’ તરીકે નોકરી કરે છે. તેનું કામ ઇમિગ્રેશન અધિકારીને ખુશ રાખવાનું છે અને સ્પાના સંચાલકો પાસેથી નિયમિત હપ્તાઓ એકત્ર કરવાનું છે. જે સ્પા સંચાલકો ‘વહિવટ’ ન કરે ત્યાં સ્થાનિક પોલીસને માહિતી આપી દરોડા પડાવવાનું કામ તે કરે છે. પોલીસ કોઈ એક સ્પા સેન્ટર પર દરોડો પાડે એટલે બીજા સ્પા સંચાલકો પાસેથી આ કોન્સ્ટેબલ સરળતાથી દર મહિને ‘હપ્તો’ મેળવી લે છે. આ કોન્સ્ટેબલનો વાંક છે જ, પરંતુ વધુ વાંક તો ઇમિગ્રેશન અધિકારીનો જ છે. શા માટે અમદાવાદ પોલીસ કમિશનર ચોક્કસ પોલીસ કોન્સ્ટેબલને ‘એટેચ’ તરીકે ફાળવતા હશે?

[7] અમદાવાદના પોલીસ કમિશનર તરીકે શિવાનંદ ઝા હતા ત્યારે અમદાવાદના સિંધુ ભવન વિસ્તારમાં અને પોશ એરિયામાં હુક્કાબારના વિશાળ અડ્ડાઓ ઊભા થઈ ગયા હતા અને કોલ સેન્ટરનો ઉદ્યોગ ધમધમતો હતો. તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ શિવાનંદ ઝાની બદલી કરવા ઈચ્છતા હતા પરંતુ તેઓ દિલ્હીના દબાણ વશ કરી શક્યા ન હતા. પરંતુ પાછળથી દિલ્હી સુધી ફરિયાદો થતાં શિવાનંદ ઝાની જગ્યાએ એ. કે. સિંઘની નિમણૂક થતાં જ કોલ સેન્ટર/ હુક્કાબારની પ્રવૃત્તિ એક જ દિવસમાં સંકેલાઈ ગઈ હતી. મતલબ કે સરકાર ઈચ્છે તો અસામાજિક પ્રવૃત્તિઓ રાતોરાત બંધ થઈ શકે છે. ગુજરાતના Jeffrey Epsteinઓનો ધંધો સરકાર જ અટકાવી શકે. શું સરકાર/ ગૃહમંત્રી નીંદરમાંથી જાગશે ?

BY: રમેશ સવાણી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here