ગણદેવા-ખારેલ: આજરોજ ​નવસારીના ગણદેવા-ખારેલ ​એક્સપ્રેસવેના નિર્માણ સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં આવી રહી છે, પરંતુ સ્થાનિક લોકોની સુરક્ષા જાણે વિસરાઈ ગઈ હોય તેમ લાગે છે. ખારેલ એક્ઝિટ પોઈન્ટ, જે રાનકુવા, રૂમાલ, ધરમપુર અને ખારેલ નેશનલ હાઈવેને જોડે છે, ત્યાં તંત્ર દ્વારા સ્પીડબ્રેકર નહીં મૂકી જીવલેણ સ્થિતિ સર્જાવાની પુરી સંભાવનાઓ ખુલ્લી રાખવામાં આવી છે.

આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે ​સ્પીડ બ્રેકરનો અભાવના લીધે એક્ઝિટ પોઈન્ટ પર બધી બાજુથી પૂરપાટ ઝડપે વાહનો આવી રહ્યા છે.સ્પીડ બ્રેકર ન હોવાને કારણે વાહનચાલકો ગતિ પર નિયંત્રણ રાખી શકતા નથી તેના લીધે ​આ પોઈન્ટ પરથી પસાર થતા સ્થાનિક રહીશો અને નિર્દોષ લોકોના જીવ સતત જોખમાઈ રહ્યા છે. અકસ્માતનો ભય ચોવીસે કલાક માથે તોળાઈ રહ્યો છે.

હવે આ બાબતે જોવાનું એ રહ્યું કે રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધીકરણ એજન્સી અને સ્થાનિક ​તંત્રની ઊંઘ ક્યારે ઉડશે?શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને અથવા કોઈ નિર્દોષનું લોહી રેડાય તેની રાહ જોઈ રહ્યું છે? વિકાસના નામે સુરક્ષા સાથે સમાધાન કેટલું યોગ્ય છે?

​સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની સ્પષ્ટ માંગ છે કે, કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલાં તાત્કાલિક અસરથી રાનકુવા, રૂમાલ, ધરમપુર અને ખારેલ તરફ જતા રસ્તાઓ પર વૈજ્ઞાનિક ઢબે સ્પીડ બ્રેકરો અને ચેતવણીદર્શક સાઈન બોર્ડ મૂકવામાં આવે.

આ ઉપરાંત નેશનલ હાઇવે 48 પર ચીખલી અને ખાસ કરીને આલીપોર પાસે આવેલ ઓવરબ્રિજની નીચેનો રસ્તો કાયમી બિસ્માર હાલતમાં રહેતો હોવાથી લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડતો રહેતો હોય છે તેથી આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરી લોકોને કાયમી હેરાનગતિમાંથી છુટકારો અપાવશો. ​જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો જનતાના રોષનો ભોગ બનવા તંત્રએ તૈયાર રહેવું પડશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here