વલસાડ: પંચલાઈ ગામમાં લાંબા સમયથી ચર્ચાસ્પદ બનેલા બુટલેગર સરપંચ રવિન્દ્ર ઉર્ફે રવિ સામે અંતે કાયદાનો દંડો ફર્યો છે. રાજકીય આશ્રય અને દબાણ હોવા છતાં સરપંચને બચાવી શકાયા નથી. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત દ્વારા પંચાયત અધિનિયમની કલમ 59(1) હેઠળ કડક કાર્યવાહી કરી સરપંચ રવિન્દ્ર રવિને પદ પરથી દૂર કરવામાં આવ્યા છે.

Decision News ને પ્રાપ્ત બનેલી વિગતો પ્રમાણે સરપંચ રવિન્દ્ર રવિ સામે અગાઉ પ્રોહિબિશન ગુનો નોંધાયો હતો, જેમાં તેને 6 દિવસનો જેલવાસ ભોગવવો પડ્યો હતો. આ બાબતે જેલવાસ ભોગવ્યો હોવાના લેખિત અને કાયદેસર પુરાવા જિલ્લા પંચાયત સમક્ષ રજૂ થતાં, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત સમગ્ર મામલાની તપાસ બાદ કાર્યવાહી અમલમાં મૂકી છે.
પંચાયત અધિનિયમ મુજબ કોઈ પણ સરપંચ ગંભીર ગુનામાં જેલવાસ ભોગવે તો તે પદ પર રહેવા અયોગ્ય ગણાય છે. આ જોગવાઈને આધારે કલમ 59(1) હેઠળ સરપંચને તાત્કાલિક અસરથી ફરજ પરથી દૂર કરવામાં આવ્યા હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે.

આ કાર્યવાહીએ જિલ્લાભરની ગ્રામ પંચાયતોમાં બેઠેલા ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા તત્વોમાં ભય અને ફફડાટ ફેલાવી દીધો છે. ખાસ કરીને બુટલેગિંગ, ખનિજ ચોરી અને અન્ય ગેરકાયદેસર ધંધામાં સંકળાયેલા પંચાયત પ્રતિનિધિઓ માટે આ કાર્યવાહી એક ચેતવણીરૂપ સંદેશ બની છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં પણ આ કાર્યવાહી ભારે ચર્ચાનો વિષય બની છે. લાંબા સમયથી ચાલતી ફરિયાદો અને વિવાદો બાદ અંતે કાયદાની અમલવારી થતાં સામાન્ય નાગરિકોમાં પ્રશાસન પ્રત્યે વિશ્વાસ વધ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચાપલોટ દ્વારા લેવામાં આવેલી આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે કાયદા સામે કોઈ પણ વ્યક્તિ કે પદ મોટું નથી, અને ગુનાહિત ભૂતકાળ ધરાવતા લોકોએ સત્તાના પદ પર બેસવાનો અધિકાર ગુમાવવો પડે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here