મધ્યપ્રદેશ: જ્યારે સમાજમાં ‘ઊંચ-નીચ’ના નામે ઝેર ઘોળવામાં આવતું હોય, ત્યારે કુદરત કોઈક વાર એવી ઘટના સર્જે છે કે જે કહેવાતા ‘ઉચ્ચ’ લોકોની આંખો ઉઘાડી નાખે છે. મધ્યપ્રદેશના મડાવાડા પંચાયતમાં બનેલી આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પણ જાતિવાદી માનસિકતાના ગાલ પર લાગેલો એક સણસણતો તમાચો છે.
કંચન મેઘવાલ, એક દલિત મહિલા, જે આંગણવાડીમાં રસોઈયા તરીકે ફરજ બજાવતા હતા. જે સમાજમાં અમુક લોકો આજે પણ એમના હાથનું બનાવેલું ભોજન ખાવામાં “ભ્રષ્ટ” થઈ જવાનો ડર રાખે છે, જેમના સ્પર્શથી ધર્મ જોખમાઈ જતો હોય એવી વાતો કરે છે, એ જ સમાજના ૨૦ ભૂલકાઓ માટે કંચન બાઈએ પોતાનું જીવતર હોમી દીધું.
વિચારો, જ્યારે મધમાખીઓના ઝુંડે આંગણવાડીના બાળકો પર હુમલો કર્યો, ત્યારે કંચન બાઈએ એવું નહોતું વિચાર્યું કે આ બાળકો કઈ જ્ઞાતિના છે? શું એમના માતા-પિતા મને માન આપે છે? ના! તેમણે માત્ર જોયું તો માસૂમિયતને અને જોખમમાં રહેલી માનવતા; તેમણે ૨૦ બાળકોને બચાવવા માટે પોતાને મધમાખીઓ અને બાળકોની વચ્ચે એક મજબૂત દીવાલ બનાવી દીધી. તાડપત્રી અને મેટમાં એક-એક બાળકને લપેટીને સુરક્ષિત સ્થાને પહોંચાડતી વખતે મધમાખીઓના અસંખ્ય ડંખ કંચન બાઈના શરીરને ચીરી રહ્યા હતા. ઝેર લોહીમાં ભળી રહ્યું હતું, પણ તેમણે 20 માસૂમ જિંદગી બચાવવા માટે પોતાની જાતને મૌતની આગમાં હોમી દીધી.
એક રસોઈયણ જે માત્ર 4,250 રૂપિયામાં આખું ઘર ચલાવતી હતી, તેણે દુનિયાને બતાવી દીધું કે માનવતાની કિંમત અબજોમાં પણ આંકી શકાતી નથી. આ પોસ્ટ ખાસ તો એવા લોકો માટે છે જેઓ માણસને માણસ સમજતા પહેલા તેની જ્ઞાતિ પૂછે છે. એક કથિત”અછૂત” ના હાથે બચેલા બાળકોના પરિવાર અને સમાજ માટે શું આ બલિદાન ‘જાતિવાદ’ ની કુપ્રથા દૂર કરવાનું નિમિત્ત બનશે ખરું? જે 20 બાળકોના જીવ બચ્યા એ જે સમાજ માંથી આવે છે એ લોકો હવે કહી શકશે કે દલિતના હાથનું રાંધેલું અમને ખપે નહીં? બહુ શર્મ સાથે કહેવું પડે છે કે હમણાં થોડા દિવસ પહેલા જ આ લખનાર જે સમાજ માંથી આવે છે એ આહીર સમાજના જ એક ગ્રૂપનો સ્ક્રીનશોટ વાયરલ થયો હતો જેમાં કોઈએ પોતાની હલકી અને જાતિવાદી માનસિકતા પ્રદ્શિત કરતી વાત કહી હતી, કાશ આ પોસ્ટ એના સુધી પહોંચે!
કંચન મેઘવાલ એક લકવાગ્રસ્ત પતિ અને ત્રણ સંતાનોને પાછળ છોડી ગયા છે. તેઓ ઘરના એકમાત્ર કમાનાર સભ્ય હતા. શહીદ માત્ર સરહદ પર નથી હોતા, શહીદ એ પણ છે જે બીજાના સંતાનો માટે પોતાના સંતાનોને અનાથ કરી દે છે. સલામ છે આ મહાન નારીને; એના ત્યાગ, સમર્પણ, વીરતા અને બલિદાન ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાશે કે જ્યારે ધર્મના નામે લડતા લોકો માનવતા નેવે મૂકીને અંદરો અંદર લડતા હતા, ત્યારે એક દલિત મહિલાએ માનવતાનો સાચો ધર્મ નિભાવીને પોતાનો જીવ આપી દીધો.
BY: Jyotsna Ahir
February 8, 2026











