ધરમપુર: જાગીરી સ્થિત શિક્ષણ અને સામાજિક સેવા કરતી સંસ્થા હેમ આશ્રમ 17 વર્ષ પુરા થયા તે નિમિત્તે હેમ ઇંગલિશ મીડીયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં 5 જાન્યુઆરી 2026 ઇનામ વિતરણ, દાતાઓનું સન્માન અને વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજુ થઈ હતી.
આ કાર્યક્રમમાં 255 વર્તમાન વિદ્યાર્થીઓ જેમાના 94 જેટલા અનાથ બાળકો છે, આશરે 30 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીઓ, બોર્ડ ઓફ એડવાઇઝર્સ, દાતાશ્રીઓ, વાલીઓ, ગામલોકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા. લગભગ 500 જેટલા વાલીઓ અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમ નિહાળ્યો. મુખ્ય મહેમાનોમાં ન્યુજર્સી (અમેરિકા) થી પધારેલા દાતાશ્રી તથા એડવાઇઝર્સ શ્રી યોગેશ પટેલ, શ્રીમતી વર્ષા પટેલ, ડૉ. આશા ગોહિલ, એડવોકેટ હાર્દિક પટેલ તથા શ્રી દક્ષેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા. તેમજ શ્રી પ્રગ્નેશ જરીવાલા, શ્રીમતી નિશિલા જરીવાલા તથા તેમના પુત્ર પ્રણિલ અને પુત્રવધૂ યશવી, શ્રી શમશેર રાવલ, ડૉ. અઝરિયા એબેનેઝર (ASK ટ્રસ્ટ), મોતીલાલભાઈ, અનિલભાઈ, ગામના વડીલ ગણપતભાઈ, સ્થાનિક આગેવાન બાર્કેભાઈ તથા પુસ્તાક પરબ વલસાડના દેવરાજ બાપા અને દિલીપભાઈ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા.
શ્રી યોગેશ પટેલ, શ્રીમતી વર્ષા પટેલ તેમજ તેમના સગા-સંબંધીઓ અને મિત્રો દ્વારા હેમ આશ્રમમાં વિવિધ મૂડીગત વિકાસકાર્યો કરવામાં મહત્વપૂર્ણ સહાય મળી છે, જેમાં પાણી માટે કૂવો અને તળાવ, ગંદા પાણીના શુદ્ધિકરણ તથા પુનઃઉપયોગ માટે સેપ્ટિક સિસ્ટમ, વિદ્યાર્થી હોસ્ટેલ નિર્માણ અને શૈક્ષણિક ઉપયોગ માટે સ્માર્ટ ટીવી ઇતિયાદી સામેલ છે. શ્રી પ્રગ્નેશ જરીવાલા અને તેમનો પરિવાર પણ ઘણા વર્ષોથી હેમ આશ્રમને ઉદારદાન દ્વારા સહાય કરતા આવ્યા છે. જરીવાલા કુટુંબે શરૂઆત થી અંત સુધી કાર્યક્રમ નિહાળ્યો અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. સંસ્થા વતી તેમનો તથા ઉપસ્થિત રહી ન શકેલા અન્ય દાતાશ્રીઓ પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.
શ્રીમતી વર્ષા પટેલે ટ્રસ્ટીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉત્તમ કાર્ય ચાલુ રાખવા પ્રેરણા આપી તથા અન્ય દાતાશ્રીઓને સહયોગ આપવા અપીલ કરી. બાર્કેભાઈ અને ગણપતભાઈએ વાલીઓને પોતાના બાળકોના ઉત્તમ ભવિષ્ય માટે હેમ આશ્રમમાં પ્રવેશ અપાવવા અનુરોધ કર્યો. એડવાઇઝર શ્રી દક્ષેશભાઈ ઓઝાએ સંસ્થાની પારદર્શક કામગીરી અને સેવાકાર્યની પ્રશંસા કરી. ડૉ. આશા ગોહિલે સમાજમાં આવી સંસ્થાઓનું મહત્વ સમજાવ્યું તથા હાર્દિક પટેલ અને પુસ્તક પરબ ટીમ સાથે મળીને 250 ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો આશ્રમની લાઇબ્રેરી માટે ભેટ આપ્યા.
કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓએ પોતે જ ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આત્મવિશ્વાસપૂર્વક કર્યું. કાર્યક્રમમાં ૧૨ થી વધુ સાંસ્કૃતિક કૃતિઓ રજૂઆતો રજૂ થઈ જેમાં આદિવાસી ડાંગી નૃત્ય તથા મોબાઇલ વપરાશ, સામાજિક મુદ્દાઓ અને હેમ આશ્રમની યાત્રા દર્શાવતા darsavti ચાર નાટિકાઓ રજૂ થઈ. શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ઉત્તમ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત ખેલ મહાકુંભ 3.0 માં તાલુકા સ્તરે પ્રાપ્ત સિદ્ધિઓ બદલ વિશેષ સન્માન આપવામાં આવ્યું:
હેમ આશ્રમ હાલમાં 283 થી વધુ આર્થિક રીતે નબળા અને આદિવાસી બાળકોને શિક્ષણ પૂરું પાડે છે તથા સાથે સાથે પ્રૌઢ સાક્ષરતા, સિલાઇ વર્ગો, ઓર્ગેનિક ખેતી, વિધવા અને ખેડૂત સહાય જેવા પ્રકલ્પો દ્વારા ગ્રામ વિકાસ માટે કાર્યરત છે.











