નાનાપોંઢા: કપરાડા તાલુકામાં જળસંચય અને સિંચાઈને મજબૂત બનાવવા માટે કુલ 9.57 કરોડ રૂપિયાના ખર્ચે બનનારા પાંચ મોટા ચેકડેમોનું ખાતમુહૂર્ત ગુરુવારે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કપરાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ ચૌધરીએ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું.
Decision news ને મળેલી જાણકારી મુજબ દમણગંગા નદી પર આસલોના બીલિયા ફળિયામાં 3.60 કરોડ તથા આસલોના મોહપાડા ફળિયામાં 3.45 કરોડ રૂપિયાના બે મોટા ચેકડેમો બનાવાશે. ઉપરાંત કુકુનીયાં ગાંગોડ ફળિયામાં 1.26 કરોડ, પીપરોટી કુજુનિયા ફળિયામાં 0.54 કરોડ અને દાબખલ રસ્તા ફળિયામાં 0.72 કરોડ રૂપિયાના ચેકડેમોના કામોનો સમાવેશ થાય છે. આ તમામ કામો કુલ 9.57 કરોડના બજેટમાં અમલમાં મૂકાશે.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુ ચૌધરીએ જણાવ્યું હતું કે, “આ મોટા ચેકડેમો બનવાથી વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે અને જળસંચયની સમસ્યા ઘટશે. આદિવાસી વિસ્તારમાં આવા વિકાસ કાર્યો ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે.”
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, વિપુલ ભોયા, રમેશ ગાંવિત, વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટથી કપરાડા તાલુકાના ડુંગરાળ અને આદિવાસી વિસ્તારોમાં જળ સુરક્ષા વધશે અને ખેતીમાં વધુ ઉત્પાદકતા આવશે. આ કાર્ય ગુજરાત સરકારની જળસંચય અને ગ્રામ વિકાસની યોજનાઓને વેગ આપશે.











