ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકામાં આવેલી એક કુમાર-કન્યા છાત્રાલયમાંથી માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે. છાત્રાલયના સંચાલક સુનિલ જાધવ સામે ધોરણ-8માં અભ્યાસ કરતી 13 વર્ષીય સગીરા સાથે અશ્લીલ અડપલાં કર્યાની ફરિયાદ ધરમપુર સ્ટેશનમાં નોધવામાં આવી છે.
સગીરાની આબરુ પર હાથ નાખવાની આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રોષ ફેલાયો છે. Decision News ને મળેલી જાણકારી મુજબ છાત્રાલયમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. આરોપ છે કે સંચાલક સુનિલ જાધવ સગીરાને કોઈને કોઈ બહાને પોતાની પાસે બોલાવી તેની સાથે અશ્લીલ હરકતો કરતો હતો. ભય અને સંકોચમાં રહેલી સગીરા લાંબા સમયથી માનસિક ત્રાસ ભોગવી રહી હતી. આખરે સગીરાએ હિંમત એકઠી કરીને સમગ્ર ઘટનાની જાણ પોતાના માતા-પિતા અને પરિવારજનોને કરી હતી. પરિવારજનો આ ઘટનાથી હચમચી ઉઠ્યા હતા. ત્યારબાદ સ્થાનિક આગેવાનો સાથે મળીને તાત્કાલિક ધરમપુર પોલીસ મથકે પહોંચીને આરોપી સંચાલક વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
સ્થાનિક આગેવાનોની હાજરીમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગંભીરતાથી મામલો લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે સગીરાનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે અને છાત્રાલયની કામગીરી તથા સંચાલન અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ છાત્રાલય જેવી શૈક્ષણિક અને રહેણાંક સંસ્થાઓમાં બાળકોની સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. હવે જોવાનું રહ્યું કે આરોપી સામે કેટલા કડક પગલાં લેવાશે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્ર શું પગલાં ભરે છે.











