નાનાપોઢા: કપરાડા વિધાનસભા વિસ્તારના નાનાપોઢા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને નવી દિશા આપતું મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ ગામોના મુખ્ય માર્ગોના વિકાસ માટે રૂ. 18 કરોડના ખર્ચે થનારા માર્ગકાર્યોનું ખાતમુહૂર્ત તેમજ કેટલાક પૂર્ણ થયેલ કામોનું લોકાર્પણ પૂર્વ મંત્રી તથા કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીના હસ્તે ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર તાલુકામાં વિકાસની નવી આશા અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ વિકાસકાર્યો અંતર્ગત નાનાપોઢા તાલુકાના અરણાઈ, મોટીવહિયાળ, આમધા, ખરેડી, પાનસ, ખૂંટલી, જોગવેલ તેમજ નાનાપોઢા સહિતના વિસ્તારોના મહત્વના માર્ગોને આવરી લેવામાં આવ્યા છે. લાંબા સમયથી ખરાબ બનેલા તેમજ વરસાદી ઋતુમાં અવરજવર માટે મુશ્કેલ સાબિત થતા માર્ગોના નવનિર્માણથી સ્થાનિક લોકોને મોટી રાહત મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિતોને સંબોધતા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના તથા આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે મજબૂત, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત માર્ગવ્યવસ્થા કોઈપણ વિસ્તારના વિકાસની રીઢ સમાન છે. રસ્તાઓ સારા બનશે તો શિક્ષણ, આરોગ્ય, ખેતી અને વેપાર-ઉદ્યોગ સહિત દરેક ક્ષેત્રમાં પ્રગતિ શક્ય બનશે.

ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે..તબક્કાવાર રીતે મુખ્ય તેમજ આંતરિક રસ્તાઓના નિર્માણથી ખેડૂતોને પોતાનો ખેતીપાક બજારમાં સમયસર અને ઓછા ખર્ચે પહોંચાડવામાં સહેલાઈ મળશે. આ સાથે વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી પહોંચવામાં સરળતા રહેશે, તેમનો કિંમતી સમય બચશે અને નોકરી તથા રોજગારી માટે દૈનિક અવરજવર વધુ સુલભ બનશે. તેમણે ઉમેર્યું હતું કે આદિવાસી અને પર્વતીય વિસ્તારોમાં સારા રસ્તાઓ થવાથી પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળશે.
આ રૂ. 18 કરોડના વિકાસકાર્યોમાં અરણાઈથી માકડબન રોડ, માની ફળિયા–કણબાઈ ડુંગરી–આમધા આદિમજૂથ માર્ગ, મોટીવહિયાળ નદી ફળિયા રોડ, પટેલ ફળિયા થી ચીંચપાડા તથા ખાંભલા ફળિયા રોડ, તેમજ ખરેડી એપ્રોચ રોડ પર માઈનોર બ્રિજના નિર્માણ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખૂંટલી, પાનસ, જોગવેલ અને નાનાપોઢાના વરોલી, નારિયેળી તથા લુહાર ફળિયા વિસ્તારોને જોડતા માર્ગોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત સદસ્ય ગુલાબભાઈ રાઉતે જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગના મુખ્ય રસ્તાઓ જોડાઈ ગયા છે અને હવે આંતરિક ફળિયા તથા નાના માર્ગોના વિકાસ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને ગ્રામજનોના સહયોગથી નાના-મોટા તમામ વિકાસકાર્યો આગળ વધારવામાં આવશે.

ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સારા અને મજબૂત રસ્તાઓથી માત્ર વાહનવ્યવહાર જ નહીં પરંતુ સમગ્ર સમાજનો સર્વાંગી વિકાસ શક્ય બને છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આ નવા માર્ગોથી નાનાપોઢા તાલુકાના લોકોના જીવનસ્તરમાં સકારાત્મક પરિવર્તન આવશે. એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તાલુકાના વિવિધ ગામોને જોડતા નવા અને સુધારેલા માર્ગો ખેતી અને વેપાર માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ખેડૂતોએ ઉત્પાદન બજારમાં પહોંચાડવામાં થતી મુશ્કેલીઓ ઘટશે અને સમય તથા ખર્ચ બંનેમાં બચત થશે, જેના કારણે તાલુકાના આર્થિક અને સામાજિક વિકાસને નવી ગતિ મળશે. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર વિરલભાઈ પટેલે માર્ગકાર્યોની વિગતો આપતા જણાવ્યું હતું કે તમામ કામો ગુણવત્તાયુક્ત સામગ્રીથી અને નક્કી કરેલ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે માર્ગોની મજબૂતી અને સલામતીમાં કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.

કાર્યક્રમમાં કપરાડા તાલુકા પંચાયત સદસ્ય ભગીરથભાઈ ગાવીત, પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઈ ગાવીત, મંગુભાઈ ગાવીત સહિતના આગેવાનો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિકાસની ચર્ચા સાથે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.