મહુવા: અંગ્રેજોના આતંકથી ત્રાસેલા દેશવાસીઓએ મહાત્મા ગાંધીજીના નેતૃત્વ હેઠળ દેશમાં અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રસંગ્રામ શરૂ કર્યો હતો તે અંતર્ગત વર્ષ 1923 મા પહેલી જાન્યુઆરીના રોજ મહુવા તાલુકાના શેખપુર ગામમાં રાનીપરજ મિટિંગોનું આયોજન સરદાર વલ્લભભાઈ અને અન્ય દેશભક્ત આંદોલનકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત 35000 કરતા વધુ દેશભક્તોએ ભાગ લીધો હતો.

આ મિટિંગનો મુખ્ય મકસદ અંગ્રેજોને દેશમાંથી હાંકી કાઢવું અને દેવી આંદોલનના ભાગરૂપે વ્યસન મુક્તિ હતો. છેલ્લા ઘણા વર્ષોથી રાનીપરજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલ્લ પટેલ, ઉપપ્રમુખ ધનસુખ પટેલ,મંત્રી રણજીત જોશીયા તેમજ ટીમના સભ્યો કિશનસિંહ, અમૃત પટેલ,તાલુકા પંચાયત સભ્ય પરિમલ પટેલ, અમૃત ચૌધરી, દોલત પટેલ, ઉમેશ પટેલ, શંકર કોંકણી દ્વારા ખુબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે સવારે સુમૂલ પ્રમુખ માનસિંહ પટેલ, માજી સાંસદ અમરસિંહ ઝેડ ચૌધરી તેમજ સંસ્કૃતિક કાર્યક્રમમા સમસ્ત આદિવાસી સમાજ પ્રમુખ ડો.પ્રદીપ ગરાસીયા, નવસારી યુવાલીડર ડો.નિરવ પટેલ, દમયંતી ચૌધરી, કુંજન ઢોડિયા, ડો.નીતિન પટેલ, મુકેશ મહેતા, સુગર ફેક્ટરી ડિરેક્ટર તુષાર પટેલ, વિપુલ પટેલ, આંગણવાડી ડેરી મંડળી પ્રમુખ અમૃતભાઈ,જિલ્લા પંચાયત સભ્ય જિનેશ ભાવસાર, મહુવા તાલુકા ભાજપા પ્રમુખ ભાવિન નાયક, સરપંચ અંધાત્રી કમલેશભાઈ, શેખપુર પીનલભાઈ, મહુવા અનિલભાઈ,માજી જિલ્લા પંચાયત સભ્ય વિપુલભાઈ, સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક ચેરમેન બાલુભાઈ વગેરે ખુબ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનોએ આદિવાસી સંસ્કૃતિનું મહત્વ અને સંગઠનની અનિવાર્યતા તેમજ વ્યસનમુક્તિ અને સમાજના પ્રશ્નો વિશે ઉપસ્થિત જનતાને માહિતી આપી હતી. તેમજ ડો.નિરવ પટેલ દ્વારા સાવિત્રીબાઇ ફૂલે દ્વારા પ્રથમ મહિલા શાળા ખોલવા બાબત, ભીમા કોરેગાંવમા 500 મહારો દ્વારા જાતિવાદી લોકો વિરુદ્ધના યુદ્ધને અને ખરસાવા હત્યાકાંડને યાદ કરી તમામને આદરાંજલિ અર્પિત કરી હતી અને સમાજના ઉદ્ધાર માટે મહિલાઓની સક્રિયતા અને ભાગીદારી પર ભાર મુક્યો હતો. અને મ્યુલ એકાઉન્ટથી બચવાની તેમજ વિવિધ નુકસાનકારી પ્રોજેકટોથી પર્યાવરણને બચાવવાં માટે સમાજને આગળ આવવાની હાકલ કરી હતી. લોકોએ ખાનાખજાના સ્ટોલ પરથી અવનવી આદિવાસી વાનગીઓની લિજ્જત માણી હતી અને તુર-તારપા તેમજ બાળાઓના નૃત્યનો આનંદ લીધો હતો.