નાનાપોંઢા: ગતરોજ આયોજિત ગુજરાત જોડો અંતર્ગત હજારો લોકોની સંખ્યામાં ભેગી થયેલી જનસભામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સંબોધી હતી આ જનસભા કાર્યક્રમમાં કપરાડાના આગેવાન દસકાભાઇ વિરૂભાઈ અને નીતિનભાઈ જેવા આગેવાનો 500થી પણ વધારે સમર્થકો સાથે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ જનસભામાં ચૈતર વસાવાએ ઉપસ્થિત લોકોને કહ્યું કે આ વિસ્તારોમાં નેશનલ હાઇવે 56 હોય, કોરિડોર હોય કે કોઈ હાઈ ટેન્શન લાઈન નાખવાની હોય તો આવા અનેક કામોમાં ગ્રામસભાની પરમિશન વગર પ્રોજેક્ટનો અમલીકરણ કરી દેવામાં આવે છે. જે લોકો વિસ્થાપિત થયા તે લોકોને જમીન સામે જમીન પણ નથી મળી, સિંચાઈનું પાણી કે મફત લાઈટ પણ નથી મળી. અમારા વિસ્તારમાં રોજગારી પણ નથી. અમારા યુવાનોનું બાર-બાર કલાક કામ કરાવીને શોષણ કરવામાં આવે છે. આજે અમારી સાથે જોડાનાર આગેવાન કોંગ્રેસથી આવ્યા છે અને આમ આદમી પાર્ટી આગામી સમયમાં એકલા હાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત તમામ ચૂંટણી લડશે.

વધુમાં કહ્યું કે અંબાજીથી ઉમરગામના આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂત છે. આજે ગુજરાત સરકાર દિલ્હીથી અને ગુજરાતના કેટલાક અધિકારીઓથી ચાલે છે. ધારાસભ્ય અને સાંસદનું ચાલતું નથી માટે હાલ ઘણા પેન્ડિંગ દબાવો પડી રહ્યા છે. 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારબાદ અમે ગુજરાતમાં ચુસ્ત પેસા એક્ટ અને અનુસૂચિ પાંચનું અમલીકરણ કરીશું. સાથે સાથે આદિવાસીઓના પેન્ડિંગ દાવાઓને પણ અમે મંજૂર કરી દઈશું.