નાનાપોંઢા: તાજેતરમાં નવગઠિત નાનાપોંઢા તાલુકામાં પ્રથમ વખત આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે 27 ડિસેમ્બરની સાંજે નાની તંબાંડી ગામ ખાતે આ કાર્યક્રમ યોજાયો, જેમાં આદિવાસી સમાજની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી.

વાંસદા-ચીખલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક સરપંચ શ્રી ભાઈલભાઈ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના હક્કો અને અધિકારો માટે સતત લડત આપતા યોદ્ધાઓની હાજરીએ કાર્યક્રમને વધુ મહત્વ આપ્યું. કાર્યક્રમમાં આદિવાસી સમાજની ઝાંખી કરાવતી અનેક કલાત્મક કૃતિઓ તથા પરંપરાગત વાજિંત્રોની પ્રસ્તુતિઓએ દર્શકોનું ધ્યાન દોરી આદિવાસી સંસ્કૃતિની વૈવિધ્યતા અને સમૃદ્ધિને ઉજાગર કરી હતી.

પોતાના વક્તવ્યમાં ડો.નિરવ પટેલે વ્યસનમુક્તિ,સંગઠનની મજબૂતી,યુવાનોમાં શોર્ટકટ મની માટે મ્યુલ એકાઉન્ટથી બચવાની તેમજ વિજ્ઞાન-કાયદાકીય જાણકારીથી સજજ બની તંત્ર દ્વારા થતા અન્યાયો વિરુદ્ધ ખોટા કેસોનો ડર રાખ્યા વગર કાયદાકીય રીતે લડવાની હાકલ કરી હતી તેમજ આદિવાસી વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે નાબાલીગ કન્યાઓના વેપાર કરનાર દલાલોને તાત્કાલિક ધોરણે પોતાની વિકૃત પ્રવૃત્તિ બંધ કરવાની ચેતવણી આપી હતી. બીજીબાજુ ધારાસભ્ય અનંત પટેલે તંત્રને આડેહાથે લેતા જણાવ્યું હતું કે વિકાસના નામ પર પોતાની માં સમાન પ્રકૃતિ સાથેના ખિલવાડ આદિવાસી સમાજ હવે ચલાવી લેવાના બિલકુલ મૂડમાં નથી. તંત્ર નિર્દોષ આદિવાસીઓ પર વારંવાર આવી રીતે અન્યાય કરતું રહેશે તો પાડલીયા ગામ જેવી સંઘર્ષની ઘટનાઓ સામાન્ય બનતી જશે. સેલવાસના આગેવાન પ્રભુ ટોકીયાએ યુવાનોને સમયસર જાગી જઈ સંગઠિત રહેજો નહિતર ધીરે ધીરે આપણા તમામ હક અધિકારો છીનવાઈ રહ્યા છે અને છેલ્લે હાથમા કશું જ બચશે નહીં એવી ચેતવણી આદિવાસી સમાજના સમાજને થતા અન્યાયો સામે આંખ મીંચીને સુતેલા યુવાનોને આપી હતી. કાર્યક્રમમાં તુર-તારપા નૃત્ય, ડાંગી નૃત્ય, સંઘ પ્રદેશનું વારલી નૃત્ય, શ્રદ્ધા ટ્રાયબલનું નૃત્ય, આફ્રિકન નૃત્ય વગેરેએ યુવાનો, મહિલાઓ અબાલવૃદ્વ સહિતની ખુબ મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીમાં ભારે આકર્ષણ જમાવ્યું હતુ.

કાર્યક્રમમાં નવસારી જિલ્લા મહારૂઢિ ગ્રામસભાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ પટેલ, સેલવાસથી શ્રી પ્રભુભાઈ ટોકીયા, ખેરગામના ડૉ. નીરવ પટેલ, પ્રમુખ શ્રી હરેશભાઈ, તાલુકા સભ્ય કુંજલીબેન, મોટાપોંઢા સરપંચ શ્રી રણજીતભાઈ, તાલુકા સભ્ય શ્રી સતીશભાઈ, ગમનભાઈ, દિનેશભાઈ ખાંડવી, બાબુભાઈ વરઠા તથા જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા સભ્યો, સરપંચો અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો. આ પ્રથમ આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમથી નવા તાલુકાના લોકોમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે અને આદિવાસી સમાજની સંસ્કૃતિને પ્રોત્સાહન મળ્યું છે.