માંડવી: આજરોજ માંડવી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બલેઠી ગ્રુપ ગ્રામપંચાયતમાં સમાવિષ્ટ નાનકડા પીપલવાણ ગામે આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખતો એક અનોખો અને પ્રેરણાદાયક લગ્નપ્રસંગ યોજાયો હતો. આજના સમયમાં પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુસરણમાં યુવા પેઢી ખર્ચાળ અને દેખાદેખીભર્યા લગ્નપ્રસંગ તરફ દોડી રહી છે, ત્યારે પીપલવાણ ગામે યોજાયેલ આ લગ્નપ્રસંગે સમાજને નવી દિશા આપતી એક ઉદાહરણરૂપ પરંપરા રજૂ કરી.

પીપલવાણ ગામનાં મંજુલાબેન રમેશભાઈ વસાવાના પુત્ર અંકિતભાઈ વસાવાના લગ્ન શુક્રવારે સંપૂર્ણપણે પરંપરાગત આદિવાસી રીતરિવાજ મુજબ યોજાયા હતા. લગ્ન માટે તૈયાર કરાયેલ આમંત્રણ પત્રિકા (કંકોત્રી) પણ વારલી ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવી હતી, જેમાં “જય પ્રકૃતિ”, “જય સંવિધાન” જેવા સંદેશાત્મક શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આમંત્રણ પત્રિકાની ભાષા વસાવી લોકબોલીમાં હતી અને તેમાં ડો. બાબાસાહેબ આંબેડકર, ટંટયા ભીલ અને બિરસા મુંડાની પ્રતિકૃતિઓ પણ સમાવિષ્ટ હતી.

લગ્નપ્રસંગ યોજાનાર ઘર અને આસપાસના વિસ્તારમાં વારલી ભીંતચિત્રો દ્વારા શણગાર કરવામાં આવ્યો હતો, જેમાં જન્મ, મરણ, લગ્ન, દેવપૂજા જેવા જીવનપ્રસંગોનું સુંદર ચિત્રણ કરવામાં આવ્યું હતું. લગ્નમંડપના પ્રવેશદ્વાર પર બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર તથા જનનાયક બિરસા મુંડાની પ્રતિમાઓ સાથે આદિવાસી દેવપૂજામાં મહત્વ ધરાવતી કોઠારી (હિજારી) પણ સ્થાપિત કરવામાં આવી હતી.

આ લગ્નપ્રસંગે ફાજલ ખર્ચ અને અવાજવાળા ડી.જે. તથા બેન્ડને દૂર રાખીને પરંપરાગત આદિવાસી વાજિંત્રો — ડોવડા અને વસાવી ઢોલ સાથે સમૂહનૃત્ય યોજાયું હતું, જેમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. લગ્નવિધિ પણ પરંપરાગત આદિવાસી પૂજારીઓ દ્વારા સમાજની રીતરિવાજ મુજબ સંપન્ન કરાઈ હતી.

આ પ્રસંગને વધુ અર્થપૂર્ણ બનાવતાં પ્રકૃતિ પુજક આદિવાસી સામાજિક સેવા ટ્રસ્ટ દ્વારા વરરાજાને ભારતીય બંધારણની નકલ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. સાથે સાથે લગ્નપ્રસંગ દરમિયાન સરદાર પટેલ હોસ્પિટલ, બારડોલીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રકૃતિ પુજક આદિવાસી સામાજિક સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન ડી. વસાવા અને ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પમાં કુલ ૨૩ યુનિટ રક્તદાન કરવામાં આવ્યું હતું.

સાદગી, સંસ્કૃતિ અને સામાજિક જવાબદારીનો સુમેળ ધરાવતો આ લગ્નપ્રસંગ આજુબાજુના વિસ્તારોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને સમાજને કુરિવાજોથી દૂર રહી પોતાની સંસ્કૃતિ જાળવીને પણ પ્રસંગો ઉજવી શકાય તેવો પ્રેરણાદાયક સંદેશ આપતો રહ્યો.