દાદરા નગર હવેલી: દરેક વ્યક્તિમાં એક અદભૂત શક્તિ છુપાયેલી હોય છે, બસ તેને ઓળખવાની અને તેને મહેનત રૂપી પીણીથી સિંચવાની જરૂર હોય છે. અતુલનીય દ્રઢતા અને અખૂટ આત્મવિશ્વાસનું જીવંત ઉદાહરણ એટલે ડો. ડીમ્પલ પારધી.
અથોલા ગામ (દા.ન.હ.)ની ધરતી પરથી ગુજરાત યુનિવર્સિટી સુધીની તેમની સફર માત્ર એક શૈક્ષણિક પ્રવાસ નથી, પરંતુ તે સંઘર્ષ, સમર્પણ અને સિદ્ધિની ગાથા છે. આ યુવતીએ સાબિત કર્યું છે કે ભલે શરૂઆત ગમે તેટલી સાદી હોય, પણ સપના જોવાની હિંમત હોય તો આકાશને પણ આંબી શકાય છે. ડો. પારધીએ પોતાના વિસ્તારની પ્રથમ આદિવાસી યુવતી તરીકે પી.એચ.ડી.ની પદવી મેળવીને માત્ર પોતાના પરિવારનું જ નહીં, પણ સમગ્ર સમાજનું ગૌરવ વધાર્યું છે. તેમનું સંશોધન કાર્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન પામ્યું છે – જે દર્શાવે છે કે કાબેલિયત ક્યાંય છુપાઈ રહેતી નથી.
આ સિદ્ધિ આપણને સૌને એક સંદેશ આપે છે: ”તમારી ઉત્પત્તિ નહીં, પણ તમારી મહેનત તમારું ભવિષ્ય નક્કી કરે છે.” ડો. ડીમ્પલ પારધીનો સંકલ્પ છે કે તેઓ શિક્ષણના માધ્યમથી આદિવાસી સમાજના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખશે. આ જ સાચી પ્રેરણા છે – દરેક નાનકડો પ્રયાસ એક મોટી સિદ્ધિ તરફ દોરી જાય છે. જો ડો. ડીમ્પલ પારધી જેવી યુવતી પહેલ કરી શકે છે, તો ચોક્કસ ખાતરીપૂર્વક કહી શકાય કે આવનારા દિવસોમાં આપણા પ્રદેશની દીકરીઓ અલગ અલગ ક્ષેત્રમાં ઇતિહાસ રચશે.
BY: મુકેશ પટેલ ( સેલવાસ )











