ધરમપુર: ગતરોજ ધરમપુરમાં સાંજે દિવ્ય ભાસ્કરના પ્રતિષ્ઠિત ‘સેવાનિધિ સન્માન’ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજસેવાના ક્ષેત્રમાં અવિરત નિષ્ઠા અને સમર્પણથી કાર્યરત સમાજ સેવક અજયભાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.
દિવ્ય ભાસ્કરના વરિષ્ઠ અધિકારીઓ તથા વલસાડ જિલ્લાના પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અજયભાઈને ‘દિવ્ય ભાસ્કર સેવાનિધિ સન્માન-2025 ’નો પ્રતિષ્ઠિત પુરસ્કાર, સ્મૃતિચિહ્ન, શાલ અને પુષ્પગુચ્છ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ધરમપુરના ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય, શિક્ષણ, મહિલા સશક્તિકરણ તેમજ ગરીબ-વંચિત વર્ગના ઉત્થાન માટે ચાલતી અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં અજયભાઈનું નિષ્ઠાપૂર્વક નેતૃત્વ અને સક્રિય યોગદાન રહ્યું છે. તેમની આ સેવાઓને ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર દ્વારા આ વિશેષ સન્માન આપવામાં આવ્યું છે.
અજયભાઈએ સન્માનને લઈને કહ્યું કે, “આ સન્માન મને નહીં, પરંતુ સમાજના તમામ સહયોગીઓને મળ્યું છે. સમાજસેવા કોઈ વ્યક્તિનું કામ નથી, તે સમગ્ર સમાજની ભાગીદારીનું પરિણામ છે. આ સન્માન અમને વધુ નિષ્ઠાથી સેવાનું કામ કરવા પ્રેરણા આપશે.” કાર્યક્રમમાં ધરમપુર તથા આસપાસના વિસ્તારના સમાજસેવીઓ, રાજકીય આગેવાનો તથા મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી.
આ સન્માન સાથે ધરમપુરમાં સમાજસેવાના મહત્ત્વને રેખાંકિત કરતી બની હતી. ધરમપુરના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં અને શહેરી વિસ્તારમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, ખેતી આર્થિક ઉપાર્જનન ક્ષેત્રે અજય પટેલ લોકસેવાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમની કામગીરીની નોંધ લેતા દિવ્યભાસ્કર અને ધરમપુરનાં ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ ના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે.











