વાંસદા: કુમારશાળા, વાંસદા દ્વારા અહીં અભ્યાસ કરતા બાળકોમાં રમતગમત પ્રત્યેની રુચિ વધે અને રાષ્ટ્રીય રમત કબડ્ડીના કૌશલ્યોનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી વલસાડ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ સમક્ષ કબડ્ડી માટેની મેટ (Mat) ફાળવવા માટેની રજૂઆત કરવામાં આવી છે.
Decision News ને જાણવા મળેલી માહિતી પ્રમાણે શાળા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે રમતગમત એ બાળકના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. કબડ્ડી જેવી પરંપરાગત રમત બાળકોમાં શારીરિક ક્ષમતા, ઝડપી નિર્ણય લેવાની શક્તિ, ટીમ વર્ક અને નેતૃત્વના ગુણો વિકસાવે છે. જો શાળાને આધુનિક અને સુરક્ષિત કબડ્ડી મેટની સુવિધા પ્રાપ્ત થાય, તો બાળકો નિયમિતપણે પ્રેક્ટિસ કરી શકશે. આનાથી તેઓ તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત થશે અને વાંસદાનું નામ રોશન કરી શકશે.
સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ યુવાનો અને રમતગમત પ્રત્યે વિશેષ લગાવ ધરાવે છે, તેથી શાળાને વિશ્વાસ છે કે તેઓ બાળકોના ઉત્કૃષ્ટ ભવિષ્ય માટે આ માંગણીને હકારાત્મક રીતે સ્વીકારશે અને મેટ ફાળવવામાં સહયોગ આપશે.કુમારશાળાના શિક્ષકો,બાળકો અને વાંસદા યુવાનો તેમજ વાંસદા તાલુકાના ભાજપના અગ્રણીઓ, વાંસદાની બજરંગ ટીમના ખેલાડી તરફથી પણ સાંસદશ્રીનો આ પહેલને ધ્યાનમાં લેવા બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.











