નાનાપોંઢા: આજરોજ નાનાપોંઢા તાલુકામાં આવેલ બિરસા સર્કલ પાસે આદિવાસી જનનાયક બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી પરંપરાગત આદિવાસી રીતરિવાજો અને સંસ્કૃતિના રંગે રંગાઈ કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ બિરસાદાદાની પ્રતિમાને ફૂલહાર કરીને બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, “બિરસા મુંડા આદિવાસી સમાજના ગૌરવ અને એકતાના પ્રતીક છે. તેમના બલિદાને આજે પણ આદિવાસી સમુદાયને એકજૂટ થવાની પ્રેરણા આપે છે. આજના આ કાર્યક્રમ દ્વારા અમે તેમના સંદેશને ઘરે-ઘરે પહોંચાડીશું.”

કાર્યક્રમમાં આદિવાસી સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલોએ ભાગ લીધો હતો. બિરસા મુંડાના જીવન અને બલિદાન પર વાતો કરવામાંઆવી હતી. આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક આદિવાસી સંગઠનો અને ભાજપના વલસાડ ભાજપ યુવા મોર્ચાના મહામંત્રી મયંક પટેલ, મુકેશ પટેલ સરપંચ, રમેશ ગાંવિત, મંગુભાઈ ગાંવિત, નાશીર પઠાણ જેવા કાર્યકર્તાઓએ સંયુક્ત રીતે કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને આદિવાસી યુવાનોને બિરસા મુંડાના આદર્શો અનુસરવા પ્રેરણા આપી હતી. આ ઉજવણીએ આદિવાસી સમાજની સંસ્કૃતિ, એકતા અને ગૌરવને નવું જીવન આપ્યું છે.