ધરમપુર: કમોસમી વરસાદ લઈને થયેલા પાકોના નુકશાન માટે ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂ.10 હજાર કરોડ રૂપિયા જાહેર કરી ખેડૂતોને રાહત આપવા આ નિર્ણય લેવાયો છે જેને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે દ્વારા આવકારવામાં આવ્યું છે.
ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું કે, “અપેક્ષા કરતાં પણ વધુ રૂ. 10 હજાર કરોડની માતબર રકમનું પેકેજ સંવેદનશીલ સરકારે જાહેર કરી ખેડૂતોના પડખે ઊભી રહી છે.” સહકારી આગેવાન જીવા આહિરે પણ જણાવ્યું કે, “અતિવૃષ્ટિનો કારમો ઘા ખેડૂતો સહન કરી શકે તેમ ન હતા, પરંતુ આફતના સમયે રાજ્ય સરકારે ખેડૂતોને ફરી બેઠા કર્યા છે.”
કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઊભા ડાંગર, નાગલી, જુવાર અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું, પરિણામે ખેડૂતોની આર્થિક સ્થિતિ દયનીય બની, તેઓ હતાશામાં ગરકાવ થયા ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોની વ્હારે આવી તાત્કાલિક રાહત આપવા માટે ગામેગામ સર્વે કરાવ્યો અને સર્વેના આધારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાણાં મંત્રી કનુ દેસાઈ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના કૃષિ મંત્રી રમેશ કટારાએ આ સહાય પેકેજ તૈયાર કર્યું. આ પેકેજનો ઉદ્દેશ્ય ખેડૂતોને ફરી પગભર કરવાનો છે. ધારાસભ્ય અરવિંદ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતો વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.











