કપરાડા: ગતરોજ નાનાપોંઢા ખાતે કોંગ્રેસ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું જેમાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા 200 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં વિધિવત રીતે ખેસ પહેરીને જોડાયા હતા.

અનંત પટેલે જણાવ્યું છે કે હવે ભાજપના વળતાં પાણી છે આજે કપરાડા નાનાપોંઢામાં ભાજપના કપરાડા- વાપીના 200થી વધુ કાર્યકરોએ ભાજપની વિચારધારા છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. આવનાર દિવસોમાં હજુ પણ વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાવવાના છે અને અમે સ્થાનિક કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે મળીને નવા બનેલા નાનાપોંઢા અને કપરાડા તાલુકા પંચાયત જીતીશું.

તમને જણાવી દઈએ કે નાનાપોંઢા તાલુકાનું નિર્માણ વલસાડ જિલ્લામાં વાપીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ થયું છે. વાપીની બાકી રહેલી 13 ગ્રામ પંચાયતો તેમજ કપરાડા અને પારડી તાલુકાના વિભાજન દ્વારા આ નવો તાલુકો બનાવવામાં આવ્યો છે.