બોટાદ: સમાજ સંવેદનશીલતા ગુમાવી રહ્યો છે કે પૂર્વગ્રહથી પીડાઈ રહ્યો છે તે પ્રશ્ન સામે આવ્યો છે. જ્યારે દલિત/ આદિવાસી/પછાત વર્ગ/લઘુમતી સમુદાયની વ્યક્તિ પર પોલીસ જોરજુલમ કરે ત્યારે લોકો કે લોકોના પ્રતિનિધિઓ ખૂલીને બહાર આવતા નથી, અવાજ ઊઠાવતા નથી.

બોટાદમાં 17 વર્ષના આર્યન મુલતાની પર બોટાદ પોલીસમા ચાર-પાંચ કોન્સ્ટેબલોએ આખી રાત મારઝૂડ કરી. શરીરનો કોઈ ભાગ બાકી ન રાખ્યો કે જ્યાં બૂટ/લાકડીથી માર માર્યો ન હોય. આર્યન મુલતાનીને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આર્યન મુલતાનીનો વાંક શું હતો ? પોલીસને શંકા હતી કે તેણે ચોરી કરી છે. ઊહાપોહ થતાં બોટાદ પોલીસે ગુનો દાખલ કર્યો એક પોલીસ કર્મચારીને એરેસ્ટ કરેલ છે, બાકીના આરોપી પોલીસ કર્મચારીઓ બોટાદ પોલીસને મળતા નથી ! આરોપીઓ પોલીસ, તપાસ કરનાર પોલીસ, આ ગુનાની તપાસ કેવી થતી હશે તેની કલ્પના કરી શકાય છે. આ સ્થિતિમાં સ્થાનિક ધારાસભ્ય/ સંસદસભ્ય બોલે કે નહીં ? આર્યન મુલતાની મુસ્લિમ છે એટલે પોલીસ અત્યારને ઉચિત ઠેરવવાનો ?

વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 29 ઓક્ટોબર 2025ના રોજ બોટાદ આવીને આર્યન મુલતાનીના કુટુંબીજનોની મુલાકાત લઈ અવાજ ઊઠાવ્યો છે. પોલીસકંત્રને પૂછ્યું છે કે બાકીના આરોપી પોલીસ કર્મચારીઓ કેમ મળતા નથી ? પોલીસ આજથી 40 વરસ જૂની મારઝૂડની પ્રધ્ધતિ અપનાવે તે ઉચિત છે ? ચોરીના કેસમાં લાઈ-ડીટેક્શન ટેસ્ટનો ઉપયોગ થઈ શકે છે. એવા કેટલાય કેસ છે જેમાં મારઝૂડના કારણે પોલીસને સજા થઈ હોય અને નોકરી ગુમાવી હોય. પોલીસ બોધપાઠ કેમ લેતી નથી ? હવે આરોપી પોલીસ કર્મચારીઓ નાસતા ફરે છે અને સમગ્ર પોલીસ તંત્રનું નામ બોળી રહ્યા છે.

કલ્પના કરો..આર્યન માલેતુજાર બ્રાહ્મણ/ક્ષત્રિય/વૈશ્ય/પટેલનો દીકરો હોત તો ? સવાલ એ છે કે બોટાદ તેની આજુબાજુના કોઈ ધારાસભ્યને અન્યાય સામે અવાજ ઊઠાવવાનો સમય ન મળ્યો; પણ છેક વડગામના ધારાસભ્યને બોટાદ આવવું પડે તે સૌરાષ્ટ્રના ધારાસભ્યો માટે શરમજનક કહેવાય !

BY: રમેશ સવાણી