ધરમપુર: આદિવાસી દિવાળી કેવી રીતે ઉજવે છે ? તેની ચર્ચા કેમ કોઈ છાપામાં આવતી નથી ? શું આદિવાસી સંસ્કૃતિ પર અતિક્રમણ નથી ? શું મીડિયામાં ફકત એક તરફી સંસ્કૃતિની કાલ્પનિક કથાઓ, ખોટી માન્યતાઓ ઊભી કરી ભારતના લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. આદિવાસી સમાજની સાંસ્કૃતિક વિવિધતા ભૂસી નાખવાનું કાવતરું તો નથી રચાઈ રહ્યું ને..?
‘ચૌધરી, આદિવાસીઓના દેવથાનકો અને દેવકથાઓ’ નામના પુસ્તક પ્રમાણે આવો જાણીએ આદિવાસી દિવાળી (દિવાલી):
દિવાળીને ચૌધરીઓ દેવી માને છે, છતાં ગામમાં કે અન્ય કોઈ જગ્યાએ એનું થાનક હોતું નથી. તથા એનાં માટે વિશેષ પૂજાપદ્ધતિ પણ નથી. દિવાળીના સમયથી ખેતીનો પાક તૈયાર થવા લાગે, તેને ઘરમાં લાવવાની તૈયારી શરૂ થતી હોય છે. લોકકથા અનુસાર ઘરની દેવી હોય છે, જેને ખરજીની/ ખરહીની નામથી ઓળખવામાં આવે છે. આ ખરહીની કે કણી (અનાજ)ની બહેન કહેવાય. કણીનો એમનાં બહેનને ત્યાં વસવાટ થવાનો છે. ત્યાં તૈયારી કેવી છે, તે જાણવા માટે વરસમાં એક વખત દિવાળી ઘર જોવા માટે આવે. આમ દિવાળીના તહેવારને કણીના ઉતારાના સ્વાગતની તૈયારીનાં સ્વરૂપે ઉજવવાની પરંપરા ચૌધરી કબીલામાં જોવા મળે છે.
આખાં ઘરને ઝૂડીને સાફ કરવામાં આવે. ચોમાસા દરમિયાન ઘરની ભીંતો, ઓટલાઓ ખરાબ થઈ ગયા હોય તેને પુનઃ લીપથાપ કરી સુધારવામાં આવે. કોઠીઓ લીપવામા આવે. ઢોર બાંધવાની કોઢમાં ખાડા હોય તો તે પૂરીને કોઢને સરખી કરવામાં આવે. ગામના ભગતો દ્રારા દિવાળીના આગલા દિવસે ગામના હીમારીયા કે ભૂવાનીનાં થાનકે પૂજા કરવામાં આવે.
પોતાના પરિવારજનો મૃત્યુ પામેલા હોય તેમને ખત્રીજ તરીકે સ્થાપિત કર્યા હોય ત્યાં જઈને જગ્યાની સાફ સફાઈ કરીને, છાણથી લીપણ કરી આષિતરાની ડાળીઓ ખોસી ખત્રીજના નામની પૂજં મૂકવામાં આવે છે. સાંજના સૂર્યાસ્ત પછી ઘરના બારણે દીવા કરવામાં આવે. ઉકરડાને બરકત આપનાર તરીકેની દેવકથા પ્રચલિત છે, તેથી ઉકરાડાની જગ્યાએ તથા નજીકમાં કૂવો હોય તો કૂવાની જગ્યાએ દીવો કરવામાં આવે. બધી જગ્યાએ દીવાઓ થઇ જાય પછી બનાવેલ રસોઈનો પ્રથમ ભાગ ખત્રીજો માટે મૂકવામાં આવે, પછી આખો પરિવાર બેસીને જમે.











