ભરૂચ: ભરૂચમાં સ્માર્ટ મીટરના મામલે લોકોમાં વિરોધ જોવા મળી રહયો છે તેવામાં હાજીખાના બજારના બહાદુર વિસ્તારમાં રહેતા એક મકાનમાં મૂકવામાં આવેલા સ્માર્ટ મીટરનું બિલ રૂ.83 હજારનો મેસેજ આવતા પરિવાર ચોંકી ઉઠયું હતું.મકાનનું અગાઉ જુના મીટરમાં 7થી 8 હજાર બિલ આવતું હતું.

પરંતુ એકાએક જ લાઈટ બિલ વધુ આવતા વીજ ગ્રાહક પરેશાન બન્યા હતા. જેની માહિતી વીજ વિભાગને થતાં તેઓએ વીજ ગ્રાહકને રવિવારે સંપર્ક કરીને બિલમાં ખામી હોવાના કારણે નવું બિલ સોમવારે આપવા માટે જણાવ્યું હતું. ત્યાર બાદ વીજ વિભાગના કર્મચારીઓએ સ્થળ તપાસ કરી હતી અને તેના આધારે નવું બિલ બનાવી આપવામાં આવ્યું હતું.વીજ વિભાગમાંથી મળતી માહિતી મુજબ સિસ્ટમમાં કોઈ ક્ષતિ હોવાના કારણે આવી સમસ્યા સર્જાઈ હતી. જોકે વીજ વિભાગે બિલની હાર્ડકોપી વીજ ગ્રાહકને હજુ મોકલવાની બાકી હતી.

વીજ વિભાગ દરેક બિલને પહેલા સિસ્ટમમાં ચકાસણી કરીને પછી ગ્રાહકને હાર્ડકોપી મોકલતા હોય છે. જેના કારણે કોઈ સિસ્ટમમાં ક્ષતિ સર્જાઈ હોય તો તેને દૂર કરીને પછી બિલ આપવામાં આવતું હોય છે.જેથી વીજ વિભાગે ફરી તપાસના આધારે બિલ વીજ ગ્રાહકને આપવામાં આવ્યું હતું. Decision News ને મળેલી માહિતી મુજબ જે ગ્રાહકનું બિલ વધુ આવ્યું હોવાના મેસેજ વાયરલ થયા હતા તે ગ્રાહકને વીજ વિભાગે મે મહિનાથી જુલાઈ એટલે ત્રણ મહિનાના બાકી બિલ સાથે કુલ 23,185 નું નવું આપવામાં આવ્યું છે.