વલસાડ: વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 48.5 મિમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ઉમરગામ અને વાપી તાલુકામાં 2-2 ઈંચ નોંધાયો છે. વરસાદને કારણે જિલ્લાના 7 નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
ઉમરગામમાં 59 મિમી, વાપીમાં 51 મિમી, કપરાડામાં 48 મિમી, વલસાડમાં 47 મિમી, પારડીમાં 45 મિમી અને ધરમપુરમાં 41 મિમી વરસાદ નોંધાયો છે. સવારે 8થી 10 વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં વાપીમાં સૌથી વધુ 95 મિમી વરસાદ ખાબક્યો હતો.1લી જૂનથી અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 547.17 મિમી વરસાદ નોંધાયો છે. તાલુકાવાર કુલ વરસાદની વિગતો મુજબ કપરાડામાં 807 મિમી, વાપીમાં 629 મિમી, ઉમરગામમાં 602 મિમી, ધરમપુરમાં 460 મિમી, પારડીમાં 365 મિમી અને વલસાડમાં 329 મિમી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, વલસાડ જિલ્લો અને દાદરા નગર હવેલી તથા દમણમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. વહીવટી તંત્રએ વલસાડ તાલુકાના 3, કપરાડા તાલુકાના 2 અને ઉમરગામ તાલુકાના 2 રસ્તા બંધ કર્યા છે. લો-લેવલ બ્રિજ પરથી પસાર ન થવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

