વલસાડ: વલસાડ નગરપાલિકાએ આગામી ચોમાસા પહેલાં શહેરમાં મહત્વપૂર્ણ સફાઈ કામગીરી પૂર્ણ કરી છે. નગરપાલિકાની બાંધકામ અને સેનિટેશન શાખાના કર્મચારીઓએ 22 કિમી વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈનની સફાઈ કરી છે.મોટી કાસ અને રેલવે લાઈનની બંને તરફની ગટર સફાઈ માટે એજન્સીને 50 લાખનું કામ સોંપવામાં આવ્યું હતું. મોગરાવાડી અને છીપવાડ રેલવે અંડરપાસ ખાતે વરસાદી પાણીના નિકાલ માટે મોટર મૂકવામાં આવી છે. મિશન કોલોની અને મહાદેવ નગરમાં પણ પ્રથમ વખત પાણી નિકાલ માટે મોટર લગાવવામાં આવી છે.
Decision news ને મળતી માહિતી અનુસાર શહેરના 7 નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકાએ 49 લાખના ખર્ચે કુદરતી કાસ પરના ઝાડ અને જૂના કચરાની JCB અને અન્ય મશીનો દ્વારા સફાઈ કરાવી છે.પાછલા 7-8 વર્ષોમાં ન કરવામાં આવેલી કુદરતી કાસ અને ભૂગર્ભ ગટર લાઇન અને ખાડીઓમાં પ્રિમોંશું કામગીરી હેઠળ સફાઈ કરવામાં આવી છે.
છીપવાડ રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાવાથી ખેરગામ રોડના 44 ગામના લોકો અને વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીઓ દૂર કરવા પ્રયાસો કરાયા છે. એમજી રોડ, તરિયાવાળા, આઈસ ફેક્ટરી, આરએમએન્ડવીએમ સ્કૂલ, છીપવાડ, મોગરાવાડી, વલસાડ પારડી, બરૂડિયાવાડ અને કાશ્મીર નગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારવા કામગીરી કરવામાં આવી છે.નગરપાલિકા અને કલેક્ટર કચેરી દ્વારા સમગ્ર કામગીરીનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ વર્ષના ચોમાસામાં સ્થાનિક લોકો અને વાહન ચાલકોને વરસાદી પાણીની સમસ્યા ન નડે તે માટે તમામ આયોજન પૂર્ણ કરવામાં આવ્યા છે.

