સુરત: સુરત શહેરના ટેક્સટાઇલ માર્કેટનો એક વીડિયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક વેપારીઓએ બે યુવકોને નગ્ન કરીને માર મારી રહ્યા છે. સુરતના અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં ચોરીના આરોપ હેઠળ દુકાન માલિકની બર્બરતા સામે આવી છે. આ દુકાન માલિકે પોતાના જ કર્મચારીઓના કપડાં કાઢીને ફટકાર્યા છે. આ સાથે આ બંને યુવાનોને ત્રણથી ચાર કલાક ગોંધી રાખ્યાનું પણ સામે આવ્યું છે.
સુરતનો આ વાયરલ વીડિયો અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો હોવાની ચર્ચા છે. સુરતના અનમોલ ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનના માલિકની ચોરીના આરોપ હેઠળ હેવાનિયત છતી થઈ છે. આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, કોઈ એક વ્યક્તિ થોડા લોકોની હાજરીમાં બે યુવાનોને નગ્ન કરીને માર માર્યો છે. વેપારી આ યુવાનોને લાકડીના દંડાથી ફટકારી રહ્યો હોવાનું દેખાય છે. દુકાનની બહાર વેપારીએ લોકોની હાજરીમાં આ બર્બરતા કરી છે. દુકાનદાર આટલેથી જ અટકતો નથી અને બંને યુવકોને ઢોર માર મારીને તેમને કાન પકડાવીને ઉઠક બેઠક પણ કરાવે છે.
પોલીસે મીડિયાને શું જણાવ્યું?:આ સમગ્ર ઘટના અંગે સલાબતપુરા પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, ‘સુરતનો આ વીડિયો વાયરલ છે. તેની જાણ છે. જેની અમે તપાસ શરૂ કરી છે. તેમજ જે વેપારીઓએ યુવકો સાથે દુર્વ્યવહાર કર્યો છે તે અને જે યુવકોને માર મારવામાં આવ્યો છે તેની વિગતો અને સમગ્ર મામલો શું છે તેની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here