સુરત: સુરતના નવસારી બજારમાં રહેતી 23 વર્ષીય મોડલ અંજલિ વરમોરાએ 7 જૂન, 2025ની મોડી રાત્રે 2 વાગ્યે પંખા સાથે લટકી આત્મહત્યા કરી લીધી હતી. આ આપઘાત કેસનું રહસ્ય વધુ ઘેરાયું છે. અત્યાર સુધી કોઈ આપઘાતનું ચોક્કસ કારણ સામે ન આવતા પોલીસે અલગ-અલગ દિશાઓમાં તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા સાથી મોડલો, મેકઅપ આર્ટિસ્ટ, કેમેરામેન સહિતનાના નિવેદન લેવાશે. આ સાથે જ મોડલનો આઈફોન ફેસલોક અને પીન લોક હોવાથી એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. જ્યારે ફોનના CDR(કોલ ડિટેઇલ રેકોર્ડ) મેળવીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, નવસારી બજાર વિસ્તારમાં આવેલા કાર્તિક એપાર્ટમેન્ટમાં 23 વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરા માતા, એક ભાઈ અને એક બહેન સહિતના પરિવાર સાથે રહેતી હતી. અંજલિ મોડલ તરીકે ચાર સ્ટુડિયો સાથે કામ કરતી હતી. જેમાં રેવન્યુ બાય અલકાઉઝેર સ્ટુડિયો, પીએમ સ્ટુડિયો, સ્ટુડીયો ડોટ અને સરદાર માર્કેટ પાસે આવેલો એક સ્ટુડિયો જે ફ્રીલાન્સ મોડલોને કામ આપે છે.“અંજલિના તેના ફિયાન્સ સાથે પણ આપઘાતની રાત્રે વાત થઈ હતી. એ અંગે ફિયાન્સે પોલીસને જણાવ્યું હતું કે, અંજલિ સ્ટ્રેસમાં કે કોઈ તણાવમાં હોય તેવું મને લાગ્યું ન હતું. અંજલિએ તેને મળવા માટે બોલાવ્યો હતો પણ તે જે દુકાન ચલાવે છે ત્યાં ગ્રાહક વધારે હોવાથી તે જઈ શક્યો ન હતો. જોકે તેને આ પ્રકારનું કંઈ થશે તેવો આઈડિયા ન હતો અને તે સુસાઇડ કરી લે છે.“
‘અંજલિ પાસે આઇ ફોન હોવાથી અને તેમાં ફેસ લોક અને પીન લોક હોવાથી તેનો પાસવર્ડ કોઈ જાણતું નથી. તેનો પાસવર્ડ પરિવારજનો પાસેથી અને તેના મિત્રો અને ફિયાન્સ પાસેથી પાસવર્ડની જાણ હોય તો તે અંગે માહિતી મેળવી રહ્યા છીએ. જોકે ફિયાન્સને પાસવર્ડ યાદ ન હોવાનું જણાવ્યું છે. ફોનમાંથી કોઈ ડેટા રિકવર કરીને વધુ માહિતી મળી શકે તો તે પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ ફોનને એફએસએલમાં પણ મોકલવામાં આવ્યો છે.“અંજલિના ફોનનો CDR આવી ગયો છે અને તેનું એનાલિસિસ ચાલુ કરી દેવામાં આવ્યું છે. આપઘાત કરતા પહેલા કોની સાથે વાત કરેલી હતી અને સૌથી વધુ કોની સાથે વાત થતી હતી તે અંગેની માહિતી મેળવવામાં આવી રહી છે. આ તપાસ બાદ આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે.“
આપઘાતના એક દિવસ પહેલા મોડેલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં બે રીલ પોસ્ટ કરી હતી. જેમાં ‘બધા જ વયા ગયા હોત તો વાંધો નહોતો પણ, વહાલા હતા ઇ વયા ગયા ને ઇ ખટકે છે’ના લખાણ સાથેની રીલ પોસ્ટ કરી હતી. જ્યારે અંતિમ પોસ્ટમાં ‘આજે તે અહેસાસ કરાવી જ દીધો કે હું કંઇજ નથી તારા માટે’નું લખાણ લખેલી રીલ પોસ્ટ કરવામાં આવી છે. જે રીલ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પણ મુકવામાં આવી છે.

