ચીખલી:નવસારીમાં ડ્રીમ ગર્લ બનીને એક યુવાને સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવાનોને છેતરીને રૂપિયા પડાવનાર ચીખલીના યુવાનને નવસારી સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડયો છે. આ યુવાને ફેક પ્રોફાઈલ બનાવી હતી અને તે છોકરીના અવાજમાં યુવાનો સાથે વાત કરી અલગ અલગ બહાના બતાવી યુવાનો પાસે પૈસા પડાવતો હોવાનું કબૂલાત કરી છે.
Decision News એ મેળવેલ માહિતી મુજબ આ યુવાન નવસારીના ચીખલી તાલુકાના આલીપોર ગામનો 21 વર્ષીય વિનય નાયકા છે જે બેરોજગાર છે. પોતાની કડકી દૂર કરવા માટે વિનય ડ્રીમ ગર્લ બની ગયો હતો. તેણે સોશ્યલ મીડિયામાં પ્રિન્સુ નામથી યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી, ચીખલી વિસ્તારના જ યુવાનોને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બાદમાં જે યુવાન એનો ફ્રેન્ડ બન્યો, એની સાથે પ્રથમ ચેટ અને બાદમાં મોબાઇલ ફોન ઉપર યુવતીના અવાજમાં તેની સાથે પ્રેમભરી વાતો શરૂ કરી હતી. આજ રીતે વિનયે ચીખલીના થાલા ગામના રોનક હળપતિને પોતાની જાળમાં ફસાવ્યો હતો. વિનય યુવતીના અવાજમાં રોનક સાથે દોસ્તી કરી, તેને પ્રેમભરી વાતો કરતો હતો.
પ્રિન્સુ ઉર્ફે વિનયની પ્રેમજાળમાં ફસાયેલા રોનકે તેને ડ્રેસ તેમજ તેની બીમારીના ઉપચાર માટે ટૂકડે ટુકડે 12 હજાર રૂપિયા મોકલાવ્યા હતા. દરમિયાન રોનકે તેના મિત્રને પ્રિન્સુ તેની ગર્લફ્રેન્ડ હોવાનું જણાવતા, મિત્રએ તેની ગર્લફ્રેન્ડ પણ પ્રિન્સુ હોવાનું અને તેણે પણ રૂપિયા કઢાવ્યા હોવાનું કહેતા બંને મૂંઝાયા હતા. બંનેએ સોશ્યલ મીડિયા થકી મિત્રતા કેળવી હોવાનું સામે આવતા પ્રિન્સુનું એકાઉન્ટ પણ એક જ જણાયું હતું. જેથી કોઇ તેમની સાથે છેતરપિંડી આચરીને રૂપિયા પડાવી રહ્યો હોવાનું જાણતા, રોનક હળપતિને નવસારી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પ્રિન્સુના સોશ્યલ મીડિયા એકાઉન્ટને તપાસતા એને આલીપોરનો વિનય નાયકા ઉપયોગ કરતો હતો. જેથી પોલીસે વિનયને અટકમાં લઇ કડકાઇથી પૂછપરછ કરતા વિનય ભાંગી પડ્યો હતો અને પોતે જ પ્રિન્સુના ફેક એકાઉન્ટથી યુવાનો સાથે મિત્રતા કેળવી, તેમની સાથે યુવતીના અવાજમાં પ્રેમભરી વાતો કરીને રૂપિયા મેળવતો હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે વિનય નાયકાની ધરપકડ કરી આગળની તપાસ આરંભી છે.
આ વિશે નવસારીના નાયબ પોલીસ અધિક્ષક એસ.કે.રાયે જણાવ્યું કે, ઝડપીથી વધતા સોશ્યલ મીડિયાના વ્યાપને કારણે અનેક લોકો સોશ્યલ મીડિયા થકી લોકોને છેતરી હજારોથી કરોડો રૂપિયાની ઠગાઈ કરતા થયા છે. જેમાં ડ્રીમ ગર્લ ફિલ્મની જેમ વિનયે પણ યુવાનોને યુવતીના અવાજમાં પ્રેમભરી વાતો કરીને રૂપિયા પડાવવાનો કીમિયો શોધી કાઢ્યો હતો.

