સુરત: સુરતમાં મહિલાના 4 લાખના દાગીના ભરેલી બેગ ગણતરીના કલાકોમાં શોધી ઉધના પોલીસે પ્રશંસનીય કામગીરી કરી છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચના હેઠળ લૂંટ, સ્નેચિંગ અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ બનેલા ગુનાઓને ડિટેક્ટ કરવા માટે પોલીસ સતત કાર્યરત છે. આ જ દિશામાં, ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે એક મહિલાની ભૂલાઈ ગયેલી લાખો રૂપિયાની કિંમતી દાગીના ભરેલી બેગ ગણતરીના કલાકોમાં શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરી છે.
Decision news ને મળેલી માહિતી અનુસાર, આજરોજ કવિતાબેન રવિન્દ્રભાઈ જગદેવ (ઉં.વ.40, ધંધો: ઘરકામ, રહેવાસી: 196, સહજાનંદ સોસાયટી, લિંબાયત, સુરત) ઉધના પોલીસ સ્ટેશન ખાતે આવીને જણાવ્યું હતું કે, તેઓ પોતાની બહેનને મળવા નવસારી જવા માટે ગોડાદરા કઠીમહારાજ મંદિર પાસેથી ઓટો-રિક્ષામાં બેસીને ઉધના બસ સ્ટેશન ખાતે ઉતર્યા હતા. આ દરમિયાન તેઓ પોતાની બેગ ઓટો-રિક્ષામાં ભૂલી ગયા હતા. આ બેગમાં કપડાં અને આશરે 4 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના હતા.
મહિલાની રજૂઆતને ગંભીરતાથી લઈ ઉધના પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. ટીમે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરીને મહિલા જે ઓટો-રિક્ષામાં બેઠા હતા તે ઓટો-રિક્ષા શોધી કાઢી હતી. ગણતરીના સમયમાં જ મહિલાની ખોવાયેલી બેગ અને તેમાં રહેલા સોના-ચાંદીના કિંમતી દાગીનાનો મુદ્દામાલ શોધી કાઢી કવિતાબેનને પરત સોંપવામાં આવ્યો હતો. ઉધના પોલીસની આ સરાહનીય કામગીરીને કારણે મહિલાને પોતાનો કિંમતી સામાન પાછો મળ્યો છે અને પોલીસે શહેરના નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસની ભાવના મજબૂત કરી છે.

