ગુજરાત: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં ગુજરાતના 55 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યના 51 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટ તાલુકામાં સૌથી વધુ 2.60 ઇંચ, અમરેલીના વડીયામાં 1.89 ઇંચ, સુરતના માંગરોળમાં 1.38 ઇંચ, આણંદના તારાપુર 1.02 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1 ઇંચ વરસાદ અને પંચમહાલના મોરવા હડફ, હાંસોટ, વાગરા, ગોંડલ, ઝઘડીયા, રાણાવાવ અને ભેસાણમાં પોણા ઇંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 28 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે શુક્રવારે એટલે કે 23 મેથી 25 મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

26 મેની આગાહી: આગામી 26 મેના રોજ રાજ્યના 15 જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂકાવવાની સાથે મેઘગર્જના થશે.

27-28 મેની આગાહી: હવામાન વિભાગની આગાહી અનુસાર, 27 મેના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 28 મેના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, તાપી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કંટ્રોલરૂમ શરુ કરવા મુખ્યમંત્રીની સૂચના: ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યમંત્રીએ કંટ્રોલરૂમ શરુ કરવાની સૂચના આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વહીવટી તંત્રોને સતર્ક-સજાગ રહેવા આદેશ આપ્યા છે. યલો ઍલર્ટવાળા જિલ્લામાં 24×7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા CM ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે.