સુરત: સુરતમાં સરથાણાના સીમાડા ખાતે આવેલા બ્લુસીટી એપાર્ટમેન્ટમાં પાંચમાં માળેથી પીઓપીનો પોપડો એપાર્ટમેન્ટના નીચે રમી રહેલા ધોરણ-6ના વિદ્યાર્થીના માથા ઉપર પર પડતા ગંભીર ઇજા પહોંચી હતી. કિશોરને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત થયું હતું. 12 વર્ષીય આ વિદ્યાર્થી 11 દિવસ સુધી મોત સામે લડયો અને આખરે દમ તોડયો.
Decision News ને મળેલી માહિતી અનુસાર મુળ અમરેલીના સાવરકુંડલા અને હાલ સરથાણાના સીમાડા ભગવાન નગરમાં આવેલા બ્લુસીટી એપાર્ટમેન્ટમાં 12 વર્ષીય મંત્ર કેતનભાઈ અકબરી પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા-પિતાનો 12 વર્ષીય પુત્ર મંત્ર એકનો એક દીકરો હતો. પિતા કેતનભાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તે દરમિયાન મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ-6માં અભ્યાસ કરતો હતો.ગત 11 એપ્રિલના રોજ બપોરે મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટના નીચે રમી રહ્યો હતો. દરમિયાન એપાર્ટમેન્ટના પાંચમાં માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા ઉપર પાડતા બાળક ત્યાં જ ઢળી પડયો હતો.
ઘટનાના પગલે મંત્રના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.માથામાં ગંભીર ઇજાના પગલે બે-બે હોસ્પિટલ લઈને એકના એક પુત્રને લઈને પરિવાર ફર્યો હતો. જો કે, આજે 11 દિવસની સારવાર બાદ મંત્રએ મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો. અકબરી પરિવારના એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે.

