વલસાડ: વલસાડમાં ધરમપુર ચોકડી પાસે હાઈવે પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. CSR ફંડમાંથી અહીં ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ દરમિયાન એક શ્રમિક મહિલાએ અધૂરા બ્રિજ પરથી જીવના જોખમે રસ્તો પાર કર્યો હતો.હાલમાં ધરમપુર ચોકડી, પારડી ITI પાસે સહિત 4 સ્થળે ફૂટ બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ બ્રિજ પર હજુ લોખંડની પ્લેટ લગાવવાની બાકી છે અને ચાલવા માટેની કોઈ વ્યવસ્થા નથી. આવી સ્થિતિમાં એક શ્રમિક મહિલાએ સમય બચાવવા માટે પિલ્લર પકડીને બ્રિજ પાર કર્યો હતો.મહિલાની આ જોખમી હરકતથી હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકાયા હતા. વધુ ચિંતાજનક બાબત એ છે કે ઘટના સમયે ત્યાં કોઈ સિક્યુરિટી ગાર્ડ કે જવાબદાર વ્યક્તિ હાજર નહોતા.
એક અન્ય મહિલા પણ આવી જ રીતે બ્રિજ ઓળંગવાની તૈયારી કરી રહી હતી.એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી હતી. આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર દ્વારા નિર્માણાધીન બ્રિજ પર સુરક્ષાની વ્યવસ્થા વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે.

