ચિખલી: નવસારીના ચીખલી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં 1.64 કરોડની ઉચાપત કેસમાં મુખ્ય આરોપી સતિષ ભોયાની ધરપકડ કરવામાં આવી છે. ચીખલી પોલીસે બાતમીના આધારે આરોપીને રાનકુવા સર્કલ પાસેથી ઘરે જતી વખતે પકડી પાડ્યો હતો.

આરોપીએ જિલ્લા તિજોરીમાં હોસ્પિટલના નામે બનાવટી બિલો રજૂ કરી પૈસા પોતાના અને બહેનના ખાતામાં જમા કરાવ્યા હતા. આ ઉચાપતની જાણ વડી કચેરી ગાંધીનગરને થતાં ઓડિટ ટીમે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં 22 લાખની ગેરરીતિ શોધાઈ હતી. જોકે, ઊંડાણપૂર્વક ની તપાસ કુલ 1.64 કરોડની ઉચાપત બહાર આવી હતી. હોસ્પિટલના નિવાસી તબીબી અધિક્ષક ડૉ. માલતી પટેલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ આરોપી સતિષ ભોયાના બેંક એકાઉન્ટની તપાસ કરી રહી છે. આ કૌભાંડમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે જાણવા માટે પોલીસ આવતીકાલે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરશે.

અનેક બીલોમાં ગેરરીતિ આચરી
નવસારી જિલ્લાના ચીખલી ના સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં મોટું આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલના આઉટસોર્સિંગ કર્મચારી સતિષ છનાભાઈ ભોયાએ 1.64 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું છે. સતિષ ભોયા 2016 થી 2023 સુધી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. તેમને હોસ્પિટલના વિવિધ બિલો બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમિયાન તેમણે આઉટસોર્સિંગ બિલ, બાયો મેડિકલ વેસ્ટ બિલ, ડીઝલ બિલ, ડાયટ બિલ સહિતના બિલોમા ગેરરીતિ આચરી હતી.

ગાંધીનગરની ઓડિટ ટીમે 22 લાખની ગેરરીતિ શોધી
ગાંધીનગરથી આવેલી ઓડિટ ટીમે પ્રાથમિક તપાસમાં 22 લાખની ગેરરીતિ શોધી કાઢી હતી. પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતાં કૌભાંડનો આંકડો 1.64 કરોડ સુધી પહોંચ્યો છે. આરોપી કર્મચારીએ એક જ બિલના ડબલ પેમેન્ટ કરાવી, અલગ અલગ વ્યક્તિઓના નામે જુદી જુદી બેંકોમાં રકમ જમા કરાવી હતી. આ રકમ પછીથી રોકડ અને ગૂગલ – પે મારફતે પરત મેળવી લેતો હતો. હોસ્પિટલના નિવાસી તબીબી અધિક્ષક માલતીબેન પટેલે આ મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ કે.એચ. ચૌધરી ના નેતૃત્વમાં પોલીસે તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી પણ બહાર આવી શકે છે.